(Photo by STRDEL/AFP via Getty Images)
બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા વિવેક ઓબેરોયને કારકિર્દીની શરૂઆતમાં અનેક ફિલ્મો મળી હતી. તેની કારકિર્દી ઉચ્ચ સ્થાને હતી ત્યારે ઐશ્વર્યા રાય સાથે સંબંધોના કારણે સલમાન ખાન સાથે તેને વિવાદ થયો હતો. વિવેકે, સલમાન ખાન સામે જાહેરમાં આક્ષેપો કર્યા પછી તેનો કપરો સમય શરૂ થયો હતો.
બોલીવૂડમાંથી અનેક લોકોએ વિવેક સાથેના સંબંધો કાપી નાખ્યા હતા અને તેણે એક પ્રકારના બોયકોટનો સામનો કરવો પડ્યો હતો. નિરાશાના આ સમયમાં સાચા મિત્રની જેમ અક્ષયકુમારે તેને સાથ આપ્યો હોવાનું વિવેકે જણાવ્યુ હતું. વિવેક ઓબેરોય સાથે કામ કરવા કોઈ ફિલ્મ મેકર તૈયાર ન હતા. અચાનક કામ મળતું બંધ થઈ ગયું હતું અને વિવેક ઓબેરોયને ઈન્ડસ્ટ્રીએ એકલો છોડી દીધો હોય તેવો માહોલ હતો. વિવેક સાથે વાત કરવા કોઈ તૈયાર ન હતું થતું ત્યારે અક્ષયકુમારે તેને સાથ આપ્યો હતો.
આ અંગે નિખાલસ કબૂલાત કરતા વિવેકે જણાવ્યુ હતું કે, અક્ષયકુમાર ધીરજથી તેની બધી વાત સાંભળતા હતા અને ચિંતા દૂર કરવા માટે સમાધાન સૂચવતા હતા. અક્ષયે કપરા સમયમાં મિત્રતા નિભાવતા સામેથી વિવેકને પૂછ્યુ હતું કે, લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે તે કહે. વિવેકે કહ્યું હતું કે, અક્ષયની મદદથી દુઃખ અને પીડામાંથી બહાર આવવાનો માર્ગ મળ્યો હતો. તેઓ પોઝિટિવ રીતે મદદ કરતા હતા અને આગળ વધવા સમજાવતા હતા.
અક્ષયે વિવેકને કહ્યું હતું કે, ઘણાં બધા શો ચાલી રહ્યા છે અને તારી પાસે સંખ્યાબંધ બ્લોકબસ્ટર ગીતો છે. મારા ઘણાં શૂટિંગ હોવાથી હું શો કરી શકું તેમ નથી. તેથી મારી પાસે જે ઈન્ક્વાયરી આવશે તેને તારી પાસે ડાઈવર્ટ કરીશ. આ કામ તું કરી લેજે. અક્ષયના આ સહયોગ અને સાદગી બદલ વિવેકે આભાર વ્યક્ત કર્યો હતો. વિવેકે જણાવ્યુ હતું કે, અક્ષયકુમારે લોબી સામે જંગે ચડવાનો વાયદો કરવાના બદલે પોઝિટિવ એનર્જી સાથે લાઈફલાઈન આપી હતી. જેના કારણે, મારા જીવનમાં તકો પાછી ફરી હતી.

LEAVE A REPLY