(Photo by STR/AFP via Getty Images)
એવું કહેવાય છે કે, જે રીતે એક પરિવારમાં સશક્ત મહિલાનું હોવું જરૂરી છે તેવી જ રીતે સારી ફિલ્મ બનાવવી હોય તો મહિલાનું અસરકારક યોગદાન આવશ્યક છે. બોલીવૂડમાં મહિલાઓનું મહત્ત્વ શરૂઆતથી રહ્યું છે, પરંતુ અસરકારક ભૂમિકા અને ફી બાબતે મહિલાઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો વારંવાર થાય છે. આ સંદર્ભે કરીના કપૂર ખાનનું માનવું છે કે, છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીઓને અસરકારક ભૂમિકા મળી રહી છે અને સારી ફી પણ આપવામાં આવે છે. આ પરિવર્તન અંગે કરીનાએ કહ્યું હતું કે, ફિલ્મોમાં મહિલાને મજબૂત બનાવવાની ક્રેડિટ મને, કંગનાને, વિદ્યાને અને દીપિકાને મળવી જોઈએ.
આ અંગે ચર્ચા કરતાં કરીનાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ફિલ્મોમાં અનેક મહિલાઓએ મજબૂત ભૂમિકા ભજવી છે. મહિલાઓની સારી ફિલ્મો દર્શકોને ગમે છે. બોક્સઓફિસથી લઇને ક્રિટિક્સ સુધી દરેક વર્ગમાં મહિલાના સારા રોલ ધરાવતી ફિલ્મ પસંદ થઈ છે. કંગના રણોત, વિદ્યા બાલન, દીપિકા પાદુકોણ અને મારા જેવી અભિનેત્રીએ ફિલ્મમાં માત્ર હાજરી આપવાના બદલે અસરકારક પ્રભાવ ઊભો કરવાની ઈચ્છા રાખી છે. અમારા પ્રયાસોના કારણે ઘણાં સ્તરે ફેરફાર આવ્યા છે, જેમાં ચોક્કસ પ્રકારની ભૂમિકા, વેતન અને દરજ્જાની માગણી કરવા સુધીના પાસાનો સમાવેશ થાય છે.
કરીનાએ ફિલ્મોને લેબલિંગ કરવાની માનસિકતા દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેનું માનવું છે કે, હીરોની ફિલ્મ કે હીરોઈનની ફિલ્મ જેવા ટાઈટલની જરૂરીયાત નથી. પોતાની નવી ફિલ્મ ‘ક્રૂ’નું ઉદાહરણ આપતા કરીનાએ કહ્યું હતું કે, તેમાં ત્રણ અગ્રણી અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં છે તેથી તેને નારી પ્રધાન ફિલ્મ માનવી જોઇએ નહીં. દર્શકોએ ફિલ્મ જોવા, ગીત-સંગીત માણવા માટે થીયેટરમાં જવું જોઈએ. ફિલ્મ જુઓ અને ખુશ થાવ, તેવો અભિગમ હોવો જોઈએ. નાની ઉંમરની અભિનેત્રીને જ ફિલ્મોમાં લીડ રોલ માટે પસંદ કરવાની માનસિકતા હવે બદલાઈ રહી છે. ઉંમર એ માત્ર આંકડો છે. ઓડિયન્સ હવે બધાને સ્વીકારે છે. ઓછી ઉંમર હોય તે જરૂરી નથી, પરંતુ ફિટ અને સારા દેખાવું જરૂરી છે. મારી ફરીથી 21 વર્ષની ઉંમર જેવા દેખાવાની ઈચ્છા નથી, જેવી છું અને જે ઉંમરે છું તેમાં ખુશ છું. હું આ ઉંમરે ખુશ અને સ્થિર છું. 21 વર્ષની હતી ત્યારે ખૂબ આવેશ અને ચિંતામાં રહેતી હતી એના બદલે અત્યારની સ્થિતિ સારી છે.
અભિનેતા અને અભિનેત્રી બંને રોમેન્ટિક ફિલ્મોમાં રોમાન્સ કરતા હોય છે અને ગીતો ગાતા જોવા મળે છે. જ્યારે એક્શન ફિલ્મોમાં માત્ર અભિનેતાઓને જ ફાઈટ કરતાં બતાવવાની માનસિકતા લાંબા સમય સુધી હતી. હવે અભિનેત્રીઓ પણ દિલધડક સ્ટન્ટ કરી રહી હોય તેવા દિવસો આવ્યા છે. કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ, નયનતારા, ક્રિતિ સેનન, આલિયા ભટ્ટ, કંગના રણોત જેવી અભિનેત્રીઓ ફિલ્મોમાં સાહસિક અને જોખમી દૃશ્યો આપ્યા છે.

LEAVE A REPLY