અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 13 માર્ચે પોત-પોતાના પક્ષમાંથી પ્રમુખપદના ઉમેદવારો તરીકે નોમિનેશન મેળવ્યું હતું. આમ નવેમ્બર 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે ફરી મુકાબલો થશે. 2020માં પણ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે જ હરીફાઈ થઈ હતી. ટ્રમ્પની ઉંમર અત્યારે 77 વર્ષ છે, જ્યારે બાઈડન 81 વર્ષના છે.

બાઇડન અને ટ્રમ્પ બંનેએ પ્રાયમરી ઇલેક્શનમાં પોતાના હરીફોને મિસિસિપી, વોશિંગ્ટન અને જ્યોર્જિયા રાજ્યોમાં પૂરતા ડેલિગેટ્સ મેળવ્યાં હતા. ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનાવાયા છે. બાઈડને પણ પ્રાઈમરી જીતી લીધી છે, તેથી તેઓ પણ આ પદ માટે દાવો કરવાની સ્થિતિમાં છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બાઇડન અને ટ્રમ્પને પૂરતા પ્રમાણમાં પાર્ટી ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે. રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ પદના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પને 1,215 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી હતું તેમજ બાઇડનને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનવા માટે કુલ 1,969 મતની જરૂર હતી. તેમને 2,107 મત મળ્યા હતાં.

નોમિનેશન મેળવ્યા પછી  બાઇડને કહ્યું હતું કે મતદારો પાસે હવે આ દેશના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો વિકલ્પ છે. અમે લોકશાહીનું રક્ષણ કરીશું. અમે અમારી સ્વતંત્રતાને પસંદ કરવાનો અને બચાવ કરવાનો અધિકાર ફરીથી સ્થાપિત કરીશું. ઉગ્રવાદીઓ આ અધિકાર છીનવી શકશે નહીં. ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તેઓ 2024માં ફરીથી પ્રેસિડન્ટની ચૂંટણી જીતશે તો તેઓ સંસદ પર હુમલાના આરોપીને મુક્ત કરશે.

ભૂતકાળમાં અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટલાય ગોટાળાના આરોપો છે. તેઓ ચૂંટણી હારી ગયા ત્યારે તેમણે પોતાના સમર્થકોને પાનો ચઢાવ્યો હતો, જેના કારણે હજારો લોકો કેપિટલ હિલ પર ધસી ગયા હતા. તેના કારણે ટ્રમ્પ પર હિંસા ફેલાવવાનો આરોપ લાગ્યો છે.

અમેરિકામાં સળંગ બે ચૂંટણીમા બંને પક્ષના એક સરખા ઉમેદવારો હોય તેવું 70 વર્ષ પછી પહેલી વખત બનશે. 2020માં પણ ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા બાઈડન જીતી ગયા હતા.

ટ્રમ્પ અને જો બાઈડન ઈમિગ્રેશનના મુદ્દે એકબીજાથી વિરુદ્ધ નીતિ ધરાવે છે. બાઈડનની ઢીલી નીતિના કારણે અમેરિકા-મેક્સિકો બોર્ડર પરથી હજારો લોકો યુએસમાં ઘૂસી આવ્યાનો આરોપ મૂકાય છે. બીજી તરફ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ ગેરકાયદે ઈમિગ્રન્ટને પકડી પકડીને બહાર કાઢી મૂકશે. તેથી આ વખતની ચૂંટમીમાં ઈમિગ્રન્ટ્સનો મુદ્દો મુખ્ય રહેવાની ધારણા છે.

 

LEAVE A REPLY