કન્ઝર્વેટિવ પાર્ટીની આગેવાની હેઠળની સરકારે તા. 6ને બુધવારે આ વર્ષના અંતમાં આવનારી સામાન્ય ચૂંટણી પહેલાં મતદારોને આકર્ષવાના પ્રયાસમાં ઘણા ટેક્સ-કટીંગ પગલાં જાહેર કર્યા હતા.
ચાન્સેલર જેરેમી હંટે સિસ્ટમને “સરળ અને ન્યાયી” બનાવવા માટે નોન-ડોમિસાઇલ ટેક્સ શાસનને નાબૂદ કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. એક સમયે બહાર આવ્યું હતું કે વડા પ્રધાન સુનકની પત્ની અક્ષતા મૂર્તિ, ટેક્સ હેતુઓ માટે યુકેમાં નોન-ડોમ સ્ટેટસ ધરાવે છે. જો કે પતિની રાજકીય કારકિર્દી માટે તે કાનૂની કર દરજ્જો તેમણે સ્વેચ્છાએ છોડ્યો હતો.
હંટે કહ્યું હતું કે “‘નોન-ડોમ’ ટેક્સ પ્રણાલી નાબૂદ કરી એપ્રિલ 2025થી વધુ યોગ્ય સિસ્ટમ લાવવામાં આવશે જેમાં યુકેમાં નવા આવનારાઓએ આગમનના ચાર વર્ષ પછી દરેક વ્યક્તિ જેટલો જ ટેક્સ ચૂકવવો પડશે. જેને કારણે 2028/29 સુધીમાં વાર્ષિક £2.7 બિલિયન એકત્ર કરાશે. ઓટમ સ્ટેટમેન્ટ (2023)માં 2 ટકા – પોઇન્ટના ઘટાડા બાદ, નશનલ ઇન્સ્યોરંશના મુખ્ય દરમાં એપ્રિલમાં 2 ટકાનો ઘટાડો કરી દર 8 ટકા કરાશે. આમ £35,400 કમાતા વ્યક્તિને ગયા વર્ષની સરખામણીમાં £900 કરતાં વધુનો ટેક્સ કટનો લાભ મળશે. 27 મિલિયન લોકોને એપ્રિલથી આ લાભ મળશે. 2 મિલિયન સેલ્ફ એમ્પલોઇડ લોકોને NICના દરમાં 8% થી 6% સુધીનો ઘટાડો કરાતા £650ની બચત થશે.‘’
‘લોંગ ટર્મ ગ્રોથ માટેના બજેટ’ તરીકે ઓળખાવાયેલા, કોમન્સ સ્ટેટમેન્ટમાં મોટાભાગની ઘોષણાઓના આગાહી નિષ્ણાતો કરી ચૂક્યા હતા અને યુકેના સમગ્ર મીડિયામાં અહેવાલ આવી ગયો હતો.
હંટે ડિજિટાઇઝેશન ડ્રાઇવ તરીકે ડોક્ટરોને ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા NHSને £6 બિલિયનની ફાળવણી કરી હતી. તો ફ્યુઅલ ડ્યુટીમાં 5 પેન્સનો કાપ બીજા 12 મહિના માટે લંબાવવામાં આવ્યો છે જેને કારણે સરેરાશ કાર ડ્રાઈવર આ વર્ષે £50ની બચત કરશે. બિયર, વાઇન અને સ્પિરિટ્સ પરની આલ્કોહોલ ડ્યૂટીને ફેબ્રુઆરી 2025 સુધી સ્થિર કરાઇ છે. જ્યારે વેપિંગ પર પરામર્શ બાદ ઓક્ટોબર 2026થી કર લાદવામાં આવશે જેને કારણે તમાકુ વધુ મોંઘું થશે.
રોકાણને પ્રોત્સાહન આપવા નવા બ્રિટિશ ISA દ્વારા યુકેની કંપનીઓમાં £5,000 સુધીનું રોકાણ કરમુક્ત રહેશે. આગાહી અનુસાર, યુકેની અર્થવ્યવસ્થા આ વર્ષે 0.8 ટકા અને 2025માં 1.9 ટકા વધવાની ધારણા છે.
પ્રતિભાવમાં, વિપક્ષી લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’લોકો આ બજેટને “ટોરી કોન”ને ઓળખશે અને આ બજેટને “નિષ્ફળ પક્ષ”ની છેલ્લી ક્રિયા છે. બ્રિટન મંદીમાં છે અને રાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ મહત્તમ થઈ ગયું છે. 70 વર્ષનો સૌથી વધુ કર બોજ છે. તેઓ એક હાથથી આપી બીજા હાથથી વધુ લે છે.”
બજેટની જોગવાઇઓ
- ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) એ પુષ્ટિ કરી છે કે ફુગાવો અગાઉની અપેક્ષા કરતાં એક વર્ષ વહેલો લક્ષ્યાંક પર આવશે.
- લાઇફ સાયન્સ, ઓટોમોટિવ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીન રીસર્ચ અને ઉત્પાદન પ્રોજેક્ટ્સને સમર્થન આપવા £360 મિલિયનનું પેકેજ ફાળવવામાં આવ્યું છે. કેન્સર, ડિમેન્શિયા અને એપીલેપ્સી જેવા સામાન્ય રોગોમાં તબીબી સંશોધનને વેગ આપવા માટે વધુ £45 મિલિયન ભંડોળ અપાયું છે.
- ઓફશોર વિન્ડ અને કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ માટે સપ્લાય ચેન બનાવવા માટે વધારાના £120 મિલિયન ફાળવવામાં આવશે.
- નવી ઘોષણાઓને કારણે 2028-29 સુધીમાં 100,000થી વધુ લોકોને વર્કફોર્સમાં લવાશે.
- પ્રોપર્ટી પરનો કેપિટલ ગેઈન્સ ટેક્સ (CGT)નો ઊંચો દર એપ્રિલ 2024થી 28%થી ઘટાડીને 24% કરાશે.
- નાના બાળકો ધરાવતા માતા-પિતા 30 કલાક જેટલો સમય બાળકોને બાળ સંભાળ માટેની નર્સરીઓ અને પ્રિ-સ્કૂલમાં મૂકીને વર્ષમાં £6,500 સુધીની બચત કરી શકશે.
- અન્ય જાહેર સેવાઓમાં ઉત્પાદકતા વધારવા માટે £800 મિલિયનનું રોકાણ કરવામાં આવશે, જેમાં ડ્રોન માટે £230 મિલિયન અને ચહેરાની ઓળખ જેવી નવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
- સ્પ્રિંગ બજેટ 2023માં £11 બિલિયનના રોકાણની જાહેરાત કર્યા પછી સંરક્ષણ ખર્ચ આગામી વર્ષે GDPના 2.3% સુધી પહોંચવાની ધારણા છે.
- લિવરપૂલમાં એક નવું રસી ઉત્પાદન હબ બનાવવા માટે £650 મિલિયનના એસ્ટ્રાઝેનેકાના રોકાણની યોજના દ્વારા યુકેની ઉત્પાદનની ક્ષમતાને વેગ મળશે. કેમ્બ્રિજને પણ વિસ્તૃત કરાશે.
- ગ્રોથ ગેરંટી ફંડના £200 મિલિયનના વિસ્તરણ દ્વારા નાના બિઝનેસીસને રોકાણ કરવા અને વૃદ્ધિ કરવા માટે ટેકો આપવામાં આવશે, 11,000 નાના બિઝનેસીસને જરૂરી ફાઇનાન્સ એક્સેસ કરવામાં મદદ કરાશે.
- VAT થ્રેશોલ્ડ £85,000 થી £90,000 સુધી વધશે.
- દેવું 2028/29માં અર્થતંત્રના હિસ્સા તરીકે ઘટીને 92.9% થશે.