લંડનમાં એશિયન મીડિયા ગ્રૂપ (AMG) દ્વારા આયોજિત વાર્ષિક GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડમાં વિજેતાઓને અભિનંદન આપી દેશની અર્થવ્યવસ્થા અને સમાજમાં સાઉથ એશિયાના લોકોના અતુલ્ય યોગદાનની સરાહના કરતા વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે “મને એક રાષ્ટ્ર તરીકે આપણી વિવિધતા પર ગર્વ છે. મને પ્રથમ બ્રિટિશ એશિયાઈ વડા પ્રધાન હોવાનો ગર્વ છે, પરંતુ ગર્વની વાત એ પણ છે કે આ કોઈ મોટી બાબત નથી.”

મંગળવાર તા. 5ના રોજ સેન્ટ્રલ લંડનમાં પાર્ક પ્લાઝા હોટેલ ખાતે ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ સમાચાર સાપ્તાહિકોના પ્રકાશકો એશિયન મીડિયા ગ્રુપ તેમજ એશિયન ટ્રેડર અને ફાર્મસી બિઝનેસ મેગેઝિન દ્વારા યોજાયેલા સમારોહમાં બ્રિટનમાં યુકેના 101 સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી સાઉથ એશિયનોની માહિતી ધરાવતા ‘GG2 પાવર લિસ્ટ 2024’નું વિમોચન કરાયું હતું. જેમાં સુનક સતત ત્રીજા વર્ષે રેન્કિંગમાં ટોચ પર રહ્યા હતા.

વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે “મને GG2 એવોર્ડ્ઝ ગમે છે અને આ અસાધારણ ‘GG2 પાવર લિસ્ટ 2024’માં ટોચ પર પોતાનું નામ હોવું તે કેટલા સન્માનની વાત છે. પરંતુ મારે તમને કહેવું જ જોઇએ કે એક ભૂલ થઈ છે, બે પુત્રીઓના પિતા તરીકે, હું દેશમાં સૌથી શક્તિશાળી એશિયન નથી, હું મારા ઘરમાં પણ સૌથી શક્તિશાળી નથી! પણ જરા આ યાદી જુઓ, લીના નાયરથી લઈને અદાર પૂનવાલા, ઈન્ધુ રુબાસિંઘમથી લઈને સીએસ વેંકટક્રિષ્નન, વિસ રાઘવનથી અંબિકા મોડ સુધીના ઘણાં બધા લોકોનો તેમાં સમાવેશ કરાયો છે. તે યાદી સંપૂર્ણપણે દંતકથાઓ અને ઉભરતા તારાઓથી છલકાઈ રહી છે – બિઝનેસ, કળા, શિક્ષણ, કાયદો અને ઘણા બધા ક્ષેત્રોના લોકોનો સમાવેશ કરાયો છે. જે આપણા અર્થતંત્ર અને આપણા સમાજમાં સાઉથ એશિયન લોકોના અતુલ્ય યોગદાનની યાદ અપાવે છે. આપણે જે – સખત મહેનત, કુટુંબ, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝ વગેરે મૂલ્યોને શેર કરીએ છીએ તેનું પણ તે રીમાઇન્ડર છે. તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેના પર મને ગર્વ છે. મને આ વિશેષ સમુદાયનો ભાગ બનવાનો ખૂબ ગર્વ છે. આપણાં માટે ઉજવણી કરવા માટે ઘણું બધું છે.”

સુનકે ઘણા વર્ષો પહેલા યુકેમાં સ્થળાંતરિત થયેલા પોતાના દાદા-દાદીની યાદો શેર કરી તેમના મૂલ્યોને જાળવી રાખવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. સુનકે પાછલી પેઢીઓના બલિદાનને સ્વીકારી પોતાના દાદાની પસંદને “પાયોનિયર” ગણાવી કહ્યું હતું કે ‘’જેઓ આજે અહી હાજર છે તેઓ પોતાના વિરાટ પૂર્વજોના ખભા પર ઉભા છે. મારા નાનાજીએ તેમના બાળકોને આંસુભરી અલવિદા કહીને, ઇસ્ટ આફ્રિકાથી વિમાનમાં સવાર થઈને, પ્રથમ વખત નોકરી કે ઘર વિના, બ્રિટન જવા માટે ઉડાન ભરી હતી. તે ઉડાન સમગ્ર પરિવાર માટે સારું જીવન બનાવવા માટે હતી. હું કલ્પના કરી શકતો નથી કે તે હિંમત તેમણે કેવી રીતે એકઠી કરી હશે. વર્ષો પછી, હું પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયો તે પછી, હું મારા નાનાજીને સંસદની મુલાકાતે લઈ આવ્યો હતો. અમે વેસ્ટમિન્સ્ટર હોલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ અચાનક ઉભા રહી ગયા હતા અને કોઈને કૉલ કરવા માટે તેમનો ફોન કાઢ્યો હતો. મને તે સમયે ખબર પણ ન હતી કે ફોનને મંજૂરી આપવામાં આવી હતી કે કેમ, તેથી હું એવું બોલ્યો હતો, ‘નાનાજી, તમારે હમણાં જે કરવું છે તે કરવું જરૂરી છે?’

સુનકે કહ્યું હતું કે “તેમણે જવાબ આપ્યો કે તેઓ તેમના યુકેના પ્રથમ મકાનમાલિકને ફોન કરી રહ્યા હતા, કેમ કે તેઓ તેમને કહેવા માંગતો હતો કે તેઓ ક્યાં ઊભા છે. આ લિસ્ટમાંની દરેક વ્યક્તિ – આજે અહીં, આવી વાર્તાઓ શેર કરી શકે છે.”

પૂર્વગ્રહ અને ભેદભાવ સામે લડવા માટે 1960ના દાયકામાં AMGએ ગરવી ગુજરાત સાપ્તાહિકની શરૂઆત સાથે એક પ્લેટફોર્મ બનાવ્યું હતું જેને પ્રતિબિંબિત કરતા, સુનકે ગયા અઠવાડિયે આપેલા એક ભાષણમાં તેમનો ઉગ્રવાદ વિરોધી સંદેશ પુનરાવર્તિત કર્યો હતો.

શ્રી સુનકે કહ્યું હતુ કે “આપણામાંથી ઘણાએ આપણા જીવનમાં અમુક સમયે, આપણે કોણ છીએ તેના કારણે ધિક્કારનો અનુભવ કર્યો છે. આજે, જ્યારે તણાવ વધી રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર આપણી જાતને તે મૂળભૂત બાબતો માટે સમર્પિત કરવી જોઈએ જેના માટે આપણા માતાપિતા લડ્યા હતા. આપણા માતા-પિતાએ વાણીની સ્વતંત્રતા માટે, તમામ પ્રકારના પૂર્વગ્રહ સામે એકસાથે ઊભા રહીને, આપણા વારસા અને આપણા બ્રિટિશ મુલ્યો બંને પર ગર્વ સાથે લડ્યા હતા કારણ કે આધુનિક બ્રિટનમાં તેઓ વસ્યા છે. તમારા બધા સમર્થન બદલ આભાર. ચાલો આગળ વધીએ અને સાથે મળીને  ભવિષ્યનું નિર્માણ કરીએ.”

સુનકે દિવંગત સ્થાપકો એએમજી, રમણીકલાલ અને પાર્વતીબેન સોલંકી શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમણે તેમના મંચનો ઉપયોગ પૂર્વગ્રહ અને ભેદભાવ સામે લડવા માટે કર્યો હતો.

LEAVE A REPLY