અમેરિકાના પ્રમુખ જો બાઇડને શુક્રવારે સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતાં. ચૂંટણી પહેલા છેલ્લા સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં 81 વર્ષીય બાઇડને તેમની વધુ ઉંમરની ટીકા કરનારાઓને જવાબ આપતા જણાવ્યું હતું કે પહેલા મને કહેવામાં આવતું હતું કે હું ખૂબ નાનો છું, તેના કારણે મને વોટિંગ માટે સાંસદોની લિફ્ટમાં પ્રવેશવા દેવામાં આવતો ન હતો. હવે મને કહેવામાં આવે છે કે હું ખૂબ વૃદ્ધ થઈ ગયો છું. યુવાન હોય કે વૃદ્ધ, હું હંમેશા જાણું છું કે કેવી રીતે સહન કરવું. અમેરિકાના મૂલ્યો તમામને એકસમાન ગણે અને આપણને જીવનભર એકસમાન વર્તન કરવાનો અધિકાર છે.
અમેરિકાની ચૂંટણીમાં ઇમિગ્રેશન એક મોટો મુદ્દો છે. આ મુદ્દે બાઇડને જણાવ્યું હતું કે ‘હું ઇમિગ્રન્ટને ટ્રમ્પની જેમ રાક્ષસ નથી માનતો. તેમની જેમ હું એમ નહીં કહું કે ઇમિગ્રન્ટ્સ અમેરિકાના લોહીમાં ઝેર ભેળવનારા હોય છે. હું ફક્ત ધર્મના આધારે લોકોને પ્રતિબંધિત નહીં કરું. વિશ્વના દરેક ખૂણેથી આવતા લોકો માટે અમેરિકા સલામત સ્થળ છે.
સંબોધનની શરૂઆતમાં બાઇડને જણાવ્યું હતું કે હાલમાં લોકશાહી અને સ્વતંત્રતા વિશ્વમાં સૌથી વધુ જોખમમાં છે. જો કોઈ એવું વિચારે છે કે રશિયન પ્રેસિડન્ટ પુતિન યુક્રેનમાંથી પીછેહઠ કરશે તો તેઓ ભૂલ કરે છે. હું પુતિનને કહેવા માંગુ છું કે અમે ક્યારેય યુક્રેનનો સાથ છોડીશું નહીં અને અમે ક્યારેય રશિયા સામે ઝુકીશું નહીં. બાઇડને સંસદને યુક્રેન માટે સહાય ચાલુ રાખવાની પણ અપીલ કરી હતી. અમે અમારા સૈનિકો યુક્રેનમાં મોકલીશું નહીં. યુક્રેને હથિયારોના મામલે સૈન્ય મદદ માંગી છે, જેથી તે રશિયા સાથે મુકાબલો કરી શકે.
ટ્રમ્પનું નામ લીધા વગર બાઇડને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રશિયાને નાટો દેશો વિરુદ્ધ મનસ્વી રીતે કામ કરવા માટે ઉશ્કેર્યું હતું. તેઓ પુતિન સમક્ષ ઝુકી ગયા હતા. આ પ્રકારનું નિવેદન અત્યંત જોખમી છે અને તેને સ્વીકારવામાં આવશે નહીં.
હમાસે બંધક બનાવેલા ઇઝરાયેલીઓને ઘરે પાછા લાવવાનું બાઇડને વચન આપ્યું હતું. અમેરિકી પ્રેસિડન્ટે પેલેસ્ટાઈનમાં હિંસા અને મૃત્યુને હૃદયદ્રાવક પણ ગણાવી હતી.