વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 12 માર્ચે ઐતિહાસિક દાંડી કૂચની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદની સાબરમતી નદી પરના ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે ‘આશ્રમ ભૂમિ વંદના’ સમારંભમાં ભાગ લીધો હતો અને રૂ.1,200 કરોડના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતાં.
આ પ્રોજેક્ટનો હેતુ મહાત્મા ગાંધીને સમર્પિત વિશ્વ કક્ષાનું સ્મારક સ્થાપિત કરવાનો તથા ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારોમાં માળખાગત સુવિધા ઊભી કરવાનો છે. તેનાથી આ ઐતિહાસિક આશ્રમના મુલાકાતીઓને આધુનિક સુવિધાઓ મળશે. પુનઃનિર્મિત ગાંધી આશ્રમમાં ગાંધીજીના જીવનના વિવિધ પાસાઓ, યાત્રાઓ, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળો અને આશ્રમના પ્રસિદ્ધ વારસાને દર્શાવતા ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશન હશે. ગાંધી આશ્રમમાં એક ઇન્ટરપ્રેટેશન કેન્દ્ર અને વર્કશોપ પણ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ ગાંધી આશ્રમના મૂળ સ્વરૂપને જાળવી રાખવામાં આવશે અને તેમાં આધુનિક સુવિધાઓ ઊભી કરાશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકર છે અને અહીં 55 એકર જમીન પર રિડેવલપમેન્ટ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમના પુનઃવિકાસ માટેના માસ્ટર પ્લાનનું અનાવરણ કર્યું હતું.
મહાત્મા ગાંધીએ અહીંથી દેશને આઝાદ કરવાનો સત્યાગ્રહ ચાલુ કર્યો હતો. ગાંધી આશ્રમનો હજુ પણ ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવામાં આવતા સ્થળોમાં સમાવેશ થાય છે અને દરરોજ સરેરાશ 3,000 મુલાકાતીઓ આ આશ્રમની મુલાકાત લે છે. આ પ્રોજેક્ટ હેઠળ 1917માં બાંધવામાં આવેલી હેરિટેજ ઈમારતોનું પુનઃનિર્માણ કરશે અને તેને મેમોરિયલમાં તબદિલ કરાશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારા પ્રારંભિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વર્તમાન સાબરમતી આશ્રમમાં મુલાકાતીઓ ઘણીવાર 15 મિનિટથી ઓછો સમય વિતાવે છે. પુનઃવિકાસ પ્રોજેક્ટ પછી એક દિવસની મુલાકાત આવશ્યક બની રહેશે અને તેનાથી મુલાકાતીઓને સમૃદ્ધ અનુભવ મળશે.