ટાટા ગ્રૂપની કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં મેગા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (“ફેબ”) પ્લાન્ટ નાંખશે. ટાટા ગ્રુપે આ પ્લાન્ટ માટે તાઇવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) સાથે ભાગીદારી કરી છે. આ પ્લાન્ટમાં આશરે રૂ.91,000 કરોડ (11 બિલિયન ડોલર)નું રોકાણ કરશે અને તેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની આશરે 20,000થી વધુ તકો ઊભી થશે. આ પ્લાન્ટ સાથે ટાટા ગ્રૂપ વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી થોડા સમયમાં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે.
આ ભારતનો પ્રથમ એઆઇ ઇનેબલ્ડ ફેબ પ્લાન્ટ હશે. તેમાં દર મહિને 50,000 સુધી વેફરનું ઉત્પાદન થશે. નવા સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટમાં ઓટોમોટિવ, કમ્પ્યુટિંગ એન્ડ સ્ટોરેજ, ડેટા સ્ટોરેજ, વાયરલેસ કોમ્યુનિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો માટે ચીપ્સનું ઉત્પાદન કરશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જાન્યુઆરી 2024માં ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબ બનાવવાના ટાટા ગ્રુપના નિર્ણયની 20મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “ટાટા ગ્રૂપ ઘણા ક્ષેત્રોમાં અગ્રણી બનવાની પરંપરા ધરાવે છે. દેશ, અને અમને વિશ્વાસ છે કે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનમાં અમારી એન્ટ્રી આ વારસામાં ઉમેરો કરશે.