મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટૂરિઝમને પ્રોત્સાહન માટે આપવા પ્રતિબદ્ધ છે.
આજના કાર્યક્રમને મુખ્ય પ્રધાને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વિકાસગાથાને પોતાના કલાકસબથી આગવી બનાવનારા કલાકારોને પોંખવાનો અને સન્માનવાનો અવસર ગણાવ્યો હતો. વર્ષ 2020, 2021 અને 2022ની ફિલ્મો માટે આશરે 1 કરોડ 16 લાખ રૂપિયા જેટલી રકમના પુરસ્કાર મળવા બદલ તેમણે તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાનના હસ્તે શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી સહિત વિવિધ કેટેગરીના એવોર્ડ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે વર્ષ 2020 માટે મલ્હાર ઠાકર(ગોળ કેરી), 2021 માટે આદેશ સિંઘ તોમર(ડ્રામેબાજ) અને 2022 માટે યશ સોની(ફક્ત મહિલાઓ માટે)ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એ જ રીતે, શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વર્ષ 2020 માટે કિંજલ રાજપ્રિયા(કેમ છો?), વર્ષ 2021 માટે ડેનિશા ગુમરા(ભારત મારો દેશ છે) અને વર્ષ 2022 માટે આરોહી પટેલ(ઓમ મંગલમ સિંગલમ)ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મજગતના જાણીતા નિર્માતાઓ, દિગ્દર્શકો અને અભિનેતાઓ સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.