બોલીવૂડ ફિલ્મકાર અને જાણીતા લેખક જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તર અને બ્રિટિશ ઇન્ડિયન શેફ અસ્મા ખાનનું તાજેતરમાં લંડન ખાતે ઇન્ડિયા-યુકે એચિવર્સ ઓનર્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન એવા ભારતીય વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેમણે શિક્ષણ-અભ્યાસના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને આગળ વધાર્યો હતો.
દ્વિપક્ષીય શૈક્ષણિક સંબંધોની ઉજવણીના હેતુથી ગત વર્ષે નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમ્ની યુનિયન (NISAU) યુકે, બ્રિટિશ કાઉન્સિલ-ઇન્ડિયા અને યુકે સરકારના ડીપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના સંયુક્ત ઉપક્રમે આ પહેલ કરવામાં આવી હતી.
તાજેતરમાં એક સમારોહમાં, ‘ધ ફ્યુચર ઓફ એજ્યુકેશન’ નામની એક દિવસીય કોન્ફરન્સ પછી કળા, રમતગમત, બિઝનેસ અને મેડિકલના ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનારાઓનું “ક્લાસ ઓફ 2024” અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે, “બીજા વર્ષ માટે તમે યુકેમાં વિકસિત અસામાન્ય ભારતીય કૌશલ્યને દર્શાવી રહ્યા છો તે જોઈને મને ખુશી થાય છે. મને યુકે-ભારત વચ્ચેની ભાગીદારી પર ખૂબ જ ગર્વ છે અને એચિવર્સ ઓનર્સ ભાગીદારી દ્વારા ઉદભવતા મજબૂત પરિણામોને ઉજાગર કરે છે.”
બોલીવૂડ ફિલ્મકાર ઝોયા અખ્તરે, ‘લક બાય ચાન્સ’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને તાજેતરમાં ‘ધ આર્ચીઝ’ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન પોતાના સાહિત્ય અને સમાજશાસ્ત્રના અભ્યાસથી ફિલ્મ નિર્માણની કારકિર્દીમાં મળેલા મહત્ત્વના ફાયદા અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું ખરેખર માનું છું કે સાહિત્ય અને સમાજશાસ્ત્રએ મને ફિલ્મો બનાવવા અને વાર્તાઓ લખવામાં અને તેને રજૂ કરવામાં ખૂબ મદદ કરી છે.”

LEAVE A REPLY