સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડના મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહીની માગણી કરતી એક અરજી બુધવારે દાખલ કરાઈ હતી. અરજીમાં દાવો કરાયો છે કે એસબીઆઇ ચૂંટણી પંચની વિગતો સબમિટ કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશનું ઇરાદાપૂર્વક અને જાણીજોઈને અનાદર કર્યું છે. સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી આ વિગતો ચૂંટણીપંચને સબસિટી કરવાનો એસબીઆઇને આદેશ આપ્યો હતો, જોકે એસબીઆઇએ ચૂંટણી બોન્ડની વિગત આપવા માટે આ મુદતને 30 જૂન સુધી લંબાવવાની માગણી કરતી એક અરજી કરી છે.
બે એનજીઓએ દાખલ કરેલી અરજીમાં દાવો કરાયો છે કે એસબીઆઇએ જાણીજોઇને છેલ્લી ઘડીએ મુદતને લંબાવવાની માગણી કરતી અરજી કરી હતી, જેથી લોકસભાની ચૂંટણી પહેલા દાતા અને ડોનેશનની વિગતો જાહેર ન થાય.
એનજીઓ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એન્ડ કોમન કોઝ વતી હાજર થયેલા એડવોકેટ પ્રશાંત ભૂષણની રજૂઆતોની મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે નોંધ લીધી હતી. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે SBIની અરજીની 11 માર્ચે સુનાવણી થવાની સંભાવના છે અને તેની સાથે અવમાનના અરજીની પણ સુનાવણી થવી જોઈએ. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે એક ઈ-મેલ મોકલો. હું ઓર્ડર પાસ કરીશ.
સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ એક ઐતિહાસિક ચુકાદો આપીને કેન્દ્ર સરકારની ચૂંટણી બોન્ડની યોજનાને ગેરબંધારણીય ગણાવી હતી 13 માર્ચ સુધી આ આ અંગેની વિગતો જાહેર કરવાનો ચૂંટણીપંચને આદેશ આપ્યો હતો. એસબીઆઈએ 4 માર્ચે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને આ મુદત 30 જૂન સુધી લંબાવવાની માંગણી કરી હતી