માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સરવે કરવા માટેના કરારને રિન્યુ નહીં કરે અને આ કવાયત કરવા માટે જરૂરી સુવિધાઓ અને મશીનોની ખરીદી કરશે, એવી પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુએ જાહેરાત કરી હતી. મુઇઝ્ઝુએ દરિયાઇ સીમાની દેખરેખ રાખવા માટે 24X7 મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવાની પણ જાહેરાત કરી હતી. ચીન સાથે ડિફેન્સ કરાર કર્યા પછી માલદીવે આ જાહેરાત કરી હતી.
મોઈઝ્ઝુએ જણાવ્યું હતું કે માલદીવે ભારત પર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની જાતે જ હાઈડ્રોગ્રાફિક સરવે માટે જરૂરી સુવિધાઓ અને મશીનરી મેળવવાનો નિર્ણય કર્યો છે. હાઈડ્રોગ્રાફિક સરવે માટે અમે આત્મનિર્ભર બનવા માંગીએ છે અને એ પછી માલદીવ જાતે જ પોતાના દરિયાના પેટાળની અંદર શોધખોળ કરી શકશે. આ માટે અમે ભારત સાથે અગાઉ થયેલી ડીલને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે.
હાઈડ્રોગ્રાફિક સરવે માટે જૂન 2019માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે સમયના માલદીવના પ્રેસિડન્ટ ઈબ્રાહિમ મહોમ્મદ સાલેહ વચ્ચે કરાર થયા હતાં અને તેના ભાગરૂપે ભારતને માલદીવના દરિયાઈ સીમાડાની નીચે શોધખોળ માટે, સાથે સાથે દરિયાઈ કિનારાઓ પરના ખડકો, દરિયામાં આવતી ભરતી ઓટનો અભ્યાસ કરવાની અને તેનો ડેટા તૈયાર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પાંચ વર્ષ માટે આ કરાર થયો હતો. જોકે હવે જૂન મહિનામાં તેની મુદત પૂરી થઈ રહી છે. મોઇઝ્ઝુ ચીન તરફી ઝુકી રહ્યા છે અને ભારત વિરોધી વલણ અપનાવી રહ્યાં છે.