દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સન સિટી હોટેલ સંકુલમાં 25થી 29 ફેબ્રુઆરી સુધી ચાલેલી ત્રણ દિવસીય સિગ્મા કોન્ફરન્સ 2024માં 220થી વધુ પ્રતિભાગીઓની ઉપસ્થિતીમાં સિગ્મા ફાર્માસ્યુટિકલ્સે પ્રાયમરી હેલ્થકેર પ્રોવાઇડર્સ વચ્ચે સહયોગ વધારવાની દિશામાં પ્રથમ પગલું શરૂ કર્યું હતું.
14મી વાર્ષિક કોમ્યુનિટી ફાર્મસી કોન્ફરન્સમાં GP, પ્રેક્ટિસ નર્સ, ડેન્ટીસ્ટ્સ અને ફાર્માસિસ્ટ સહિત પ્રાયમરી હેલ્થકેરના વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ સફળતાપૂર્વક એક થયા હતા. જે દર્દીની સંભાળ માટેના શ્રેષ્ઠ અભિગમના મહત્વને પ્રકાશિત કરે છે.
કોન્ફરન્સની થીમ ‘કોમ્યુ નિટી ફાર્મસી ઇન ઇન્ટીગ્રેટેડ NHS’ પર પ્રતિબિંબિત કરતાં, મુખ્ય વક્તાઓએ ઇન્ટીગ્રેટેડ NHSમાં ફાર્મસી પ્રોફેશનલ્સ દ્વારા ભજવવામાં આવતી નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વધુ સહયોગના ક્ષેત્રોની શોધ કરી હતી.
આ વર્ષે સિગ્મા કોન્ફરન્સમાં વિવિધ સહભાગીઓ ઉપરાંત યુકેના ચાર રાષ્ટ્રો – ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લૅન્ડના ચિફ ફાર્માસ્યુટિકલ ઓફિસર્સને એક મંચ પર એકસાથે લાવવામાં આવ્યા હતા. તો ‘ઇન્ક્લુસિવ ફાર્મસી પ્રેક્ટિસ’ પર એક સમજદાર ચર્ચા સત્રનું આયોજન કરાયું હતું.
સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ડૉ. ભરત શાહે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે “દર્દીની સંભાળ સુધારવા માટે ફાર્મસી સહિત ઇન્ટીગ્રેટેડ NHS નિર્ણાયક છે. આ પરિષદ એ એકીકૃત અને સંકલિત અભિગમને પ્રોત્સાહન આપીને દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ આપવા માટે પ્રાયમરી હેલ્થકેર પ્રોવાઇડર્સ વચ્ચે સહયોગને મજબૂત કરવાના અમારા પ્રયાસની શરૂઆત છે. અહીં શરૂ કરાયેલી ચર્ચાઓ અમારી આગામી પરિષદોમાં ચાલુ રહેશે અને અમે દરેક સત્રના પરિણામોનું મૂલ્યાંકન પણ કરીશું.”
કંપનીના સીઈઓ હતુલ શાહે જણાવ્યું હતું કે ‘’આ કોન્ફરન્સમાં સિગ્માનું મિશન હંમેશા ફાર્મસીમાં પ્રભાવશાળી અને નવીન લોકોને એકસાથે લાવવાનું રહ્યું છે. માહિતી અને સમજના આદાનપ્રદાનને સરળ બનાવવા માટે એક સ્તરનું મંચ ઊભું કરવું જેથી અમારા દર્દીઓને શ્રેષ્ઠ શક્ય પરિણામો સાથે આ કોન્ફરન્સ મળી શકે. આ કરવા માટે અમારે કોમ્યુનિટી ફાર્મસીમાં સસ્ટેઇનેબલ સેક્ટરની જરૂર છે. આ વર્ષની કોન્ફરન્સ એ ઉદ્દેશ્યનું ઉત્તમ ઉદાહરણ છે. સહયોગ કરીને અને અમારા વક્તાઓ જે અભિવ્યક્ત કરે છે તે સમજવાથી મને ખાતરી છે કે અમે યુકેમાં હેલ્થકેરની નવી પેઢીનું નેતૃત્વ કરી શકીએ છીએ.”
કોન્ફરન્સના પ્રથમ દિવસે કોમ્યુનિટી ફાર્મસી ઈંગ્લેન્ડ (CPE)ના CEO જેનેટ મોરિસન; એસોસિયેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ મલ્ટીપલ ફાર્મસીઝ (AIMp) ના CEO ડૉ. લયલા હેનબેક; HDA UKના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્ટિન સોવર; બ્રિટિશ જેનરિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (BGMA) ના ભૂતપૂર્વ અધ્યક્ષ પીટર બલાર્ડ અને IQVIA ખાતે ગ્લોબલ એકાઉન્ટ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ સપ્લાયના વાઇસ પ્રેસિડેન્ટ કેરોલ એલેક્ઝાન્ડ્રે પ્રવચન કર્યાં હતાં.
બીજા દિવસના વક્તાઓમાં પ્રોફેશનલ ડેવલપમેન્ટ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ફોર ધ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) માર્ગારેટ ઇકપોહ; બ્રિટિશ ડેન્ટલ એસોસિએશન (BDA)ના ડૉ જ્હોન મિલ્ને MBE; પ્રાઈમરી કેર ફાર્મસી એસોસિએશન (PCPA) ના પ્રમુખ ડૉ. ગ્રેહામ સ્ટ્રેચ; અને એસોસિયેશન ઓફ ફાર્મસી ટેકનિશિયન યુકે (APTUK) ના વાઇસ પ્રેસિડેન્ટ નિકોલા સ્ટોકમેનનો સમાવેશ થયો હતો.
ઇંગ્લેન્ડના ચિફ ફાર્માસ્યુટિકલ ઓફિસર ડેવિડ વેબ દ્વારા પ્રેઝન્શન; વેલ્સ માટેના સીપીઓ એન્ડ્રુ ઇવાન્સ; નોર્ધર્ન આયર્લેન્ડના CPO પ્રોફેસર કેથી હેરિસન; સ્કોટલેન્ડના સીપીઓ પ્રોફેસર એલિસન સ્ટ્રેથ તથા NHS અધિકારીઓએ પોતપોતાના દેશોના આરોગ્યસંભાળના પડકારોને રજૂ કરી કોમ્યુનિટી ફાર્મસીઓ માટે ભાવિ વિઝનની રૂપરેખા આપી હતી.
સિગ્મા યુકેમાં સૌથી મોટી ઇન્ડીપેન્ડન્ટ શોર્ટ-લાઇન ફાર્મસી હોલસેલર્સ પૈકીની એક છે, જે 40 વર્ષથી ઇન્ડીપેન્ડન્ટ ફાર્મસીઓ, ડોકટરો અને હોસ્પિટલોને સેવાઓ આપે છે.
ડૉ. ભરત શાહ અને તેમના ભાઈ મનીષ શાહે 1982માં કંપનીની સહ-સ્થાપના કરી હતી. જેનું મુખ્ય મથક વોટફોર્ડમાં હતું. 1989માં તેમના ભાઈ કમલ શાહ ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. તે કૌટુંબિક માલિકીનો વ્યવસાય છે, તેના સ્થાપક ડાયરેક્ટર્સ અને બીજી પેઢી દ્વારા સક્રિયપણે તેની દેખરેખ રાખવામાં આવે છે.