એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કેનેડા અને મેક્સિકો થઈને અમેરિકામાં ભારતના લોકોની ધુસણખોરી કરાવતી સિન્ડિકેટની તપાસના ભાગરૂપે શુક્રવારે સમગ્ર ગુજરાતમાં 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડા થઈને અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરતાં ડિંગુચાના પરિવારના સભ્યોના થીજી જવાથી મોત થયા હતા. આ મામલે અમેરિકામાં એક વ્યક્તિની ધરપકડ થયા પછી ઇડીએ આ કાર્યવાહી કરી હતી.
21 ફેબ્રુઆરીના રોજ, શિકાગો પોલીસે “ડર્ટી હેરી” તરીકે કુખ્યાત હર્ષકુમાર રમણલાલ પટેલની ધરપકડ કરી હતી. ઇડીની કાર્યવાહીથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે એજન્સીએ ગુજરાત પોલીસ દ્વારા ભરતભાઈ ઉર્ફે બોબી પટેલ, રાજુભાઈ બેચરભાઈ પ્રજાપતિ અને ભાવેશ અશોકભાઈ પટેલ સહિત અન્ય લોકો સામે ત્રણ ટ્રાફિકિંગ કેસની તપાસ હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતનાં એજન્ટો ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને સાગરિત ચરણજીત સિંહની ઓફિસ અને ઘરે EDનાં અધિકારીઓએ દરોડા પાડ્યા હતાં. EDના અધિકારીઓને દરોડા સમયે 50 લાખનું વિદેશી ચલણ, રૂ.1.50 કરોડની બિન હિસાબી રોકડ રકમ, કેટલાક ફેક ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટ અને વિઝા સ્ટેમ્પ્સ સહિતની વસ્તુઓ મળી આવી હતી. આ એજન્ટોએ 3 વર્ષની અંદર 1500 જેટલા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલ્યા હોવાનું માનવામાં આવે છે.
અમદાવાદમાં ઘાટલોડિયા, નારણપુરા, ગાંધીનગર ઉપરાંત દિલ્હી કોલકાતા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બોબી પટેલ અને તેના સાગરિત ચરણજીત સિંહ એક વ્યક્તિના રૂ. 75 લાખ લેતા હતા. એજન્ટો મેક્સિકો, યુરોપિયન કન્ટ્રી તેમજ યુએસ અને કેનેડાનાં એજન્ટો સાથે વ્હોટ્સએપમાં ગ્રૂપ બનાવતા હતા.