અમેરિકા અને બીજા વિકસિત દેશો સાથે ટ્રેડવોર વચ્ચે ચીને 2024 માટે તેનું ડિફેન્સ બજેટ 7.2 ટકા વધારીને 230 બિલિયન ડોલર કર્યું હતું. ચીનનું આ બજેટ ભારતના ડિફેન્સ બજેટ કરતાં ત્રણ ગણું વધારે છે. ભારતનું કુલ સંરક્ષણ બજેટ ૭૫ બિલિયન ડોલર છે. હાલમાં ચીનના ભારત, ફિલિપાઇન્સ અને તાઇવાન સહિતના પાડોશી દેશો સાથે પણ સંબંધો તંગ છે.
ડિફેન્સ નિષ્ણાતોનું માનવું છે કે ચીને બજેટ વધારીને તાઇવાનની નીતિને લઇને દુનિયાને મોટો સંકેત આપ્યો છે. ચીન વન ચાઇના પોલિસી હેઠળ તાઇવાનને પોતાનો હિસ્સો ગણતું હોવાથી આગામી સમયમાં તાઇવાન પર સૈન્ય દબાણ વધારી શકે છે. ચીની સેનાઓના સર્વોચ્ચ કમાંડર શી જિનપિંગના શાસન દરમિયાન સંરક્ષણ બજેટમાં સતત વધારો થતો રહ્યો છે. ૨૦૧૩માં ૭૨૦ બિલિયન યુઆન હતું જે વધીને ૧.૬૪ ટ્રિલિયમ યુઆન થયું છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)માં અમેરિકા કરતાં સૈનિકોની સંખ્યા વધું છે. જોકે અમેરિકા પછી વિશ્વમાં બીજુ સૌથી મોટું ડિફેન્સ બજેટ ચીનનું છે. ચીનનું ડિફેન્સ બજેટ તેના જીડીપીના આશરે 1.6 ટકા છે, જે અમેરિકા અને રશિયા કરતાં નીચું છે, એમ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટે જણાવ્યું હતું.