અમેરિકાના 15 રાજ્યોમાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ નોમિનેશન પ્રાઈમરીઝમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ જો બાઇડન અને રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પે સપાટો બોલાવ્યો હતો. તેનાથી 5 નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે ફરી જંગનો માર્ગ મોકળો થયો છે. આની સાથે વર્મોન્ટમાં આશ્ચર્યજનક જીત થઈ હોવા છતાં ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર નિક્કી હેલી પર રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનવાની રેસમાંથી નીકળી જવાનું દબાણ ઊભું થયું છે.
સુપર ટ્યુઝડેના ચૂંટણી પરિણામો પછી 77 વર્ષીય ટ્રમ્પે તેમના એકમાત્ર રિપબ્લિકન પ્રતિસ્પર્ધી હેલી સામે ડેલિગેટ્સની સંખ્યાના સંદર્ભમાં મજબૂત સરસાઈ હાંસલ કરી હતી. ટ્રમ્પે ટેક્સાસ, કેલિફોર્નિયા અને અન્ય 11 રાજ્યોમાં પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો, જોકે હેલીએ વર્મોન્ટ જીતીને તેમની ક્લિન સ્વીપ અટકાવી હતી. મંગળવારે 15 રાજ્યોમાં મતદાન થયું હતું. પાર્ટીનું નોમિનેશન હાંસલ કરવા માટે હજુ ટ્રમ્પ પાસે હજુ પૂરતા ડેલિગેટ્સ નથી, પરંતુ તેઓ આ જાદૂઈ આંકડાની નજીક પહોંચી ગયા છે.
સુપર ટ્યુઝડેની ચૂંટણીમાં કુલમાંથી ત્રીજા ભાગના રિપબ્લિકન ડેલિગેટ્સનું ભાવિ નિર્ધારિત થયું હતું. રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવાર બનવા માટે બેમાંથી કોઈપણ ઉમેદવારને 1,215 ડેલિગેટ્સની જરૂર પડે છે. સુપર ટ્યુઝડે પછી ટ્રમ્પ સમર્થક ડેલિગેટ્સની સંખ્યા વધી 244 થઈ હતી, જ્યારે હેલી પાસે માત્ર 86 ડેલિગેટ્સ હતાં.
બીજી તરફ ડેમોક્રેટિક પ્રાયમરીમાં લગભગ તમામ રાજ્યોમાં બાઇડનનો વિજય થયો હતો. અમેરિકન સમોઆમાં ડેમોક્રેટિક પ્રાઇમરીમાં જેસન પાલ્મર સામે બાઇડનની હાર થઈ હતી, જે તેમની પ્રથમ હાર હતી. જોકે પાલ્મરે આ નાની યુએસ ટેરિટરીમાં જીત મેળવી હતી, જ્યાં 100થી ઓછા લોકો કોકસમાં ભાગ લે છે. આ હારથી ડેમોક્રેટિક નોમિનેશન માટેની બાઇડનની વિજયકૂચ ધીમી પડશે નહીં.
સીએનએન પ્રોજેક્ટ્સના જણાવ્યા મુજબ ડેમોક્રેટિક પ્રાઇમરીમાં જો બાઇડન કોઇ મોટી સ્પર્ધાનો સામનો કરી રહ્યાં નથી અને આજની રાત સુધીની તમામ ડેમોક્રેટિક પ્રાયમરી જીતી છે.
સુપર ટ્યુઝડે પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીનો મહત્વનો તબક્કો છે. અહીં પ્રારંભિક ચૂંટણી પૂરી થાય છે. વર્મોન્ટ સિવાય લગભગ તમામ પરિણામો ટ્રમ્પની તરફેણમાં એકતરફી રહ્યાં હતાં. વર્મોન્ટમાં જીતનો તફાવત લગભગ એક ટકા રહ્યો હતો.