ભારત વિરોધી વલણને વધુ આક્રમક બનાવતા માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઈઝ્ઝુએ જણાવ્યું હતું કે 10 મે પછી સિવિલ ડ્રેસમાં પણ ભારતીય મિલિટરીનો કોઇ અધિકારી તેમના દેશમાં રહેશે નહીં. આ ટાપુ રાષ્ટ્રના ત્રણ એવિયેશન પ્લેટફોર્મ્સમાંથી એકનો હવાલો સંભાળવા માટે ભારતના અધિકારીઓની એક ટીમ માલદીવમાં પહોંચી તેના એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં મુઇઝ્ઝુએ આ ટીપ્પણી કરી હતી.
અગાઉ ભારતે 10 માર્ચ સુધીમાં માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા બોલાવી લેવાની સંમતિ આપી હતી. જોકે ભારતે શરત રાખી હતી કે વિમાનના સંચાલન માટે લશ્કરી જવાનોની જગ્યાએ બીજા અધિકારીઓને મંજૂરી આપવામાં આવે. માલદીવમાં ભારતના ત્રણ એવિયેશન પ્લેટફોર્મમાં ભારતના આશરે 88 મિલિટરી અધિકારીઓ કામ કરી રહ્યાં છે.
એટોલમાં એક કમ્યુનિટીને સંબોધન કરતાં મુઇઝ્ઝુએ જણાવ્યું હતું કે દેશમાંથી ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં તેમની સરકારની મળેલી સફળતાને કારણે કેટલાંક લોકો ખોટી અફવાઓ ફેલાવીને કહી રહ્યાં છે કે ભારતીય સૈનિકો વિદાય લઇ રહ્યાં નથી, પરંતુ ગણવેશ બદલીને પરત આવી રહ્યાં છે. આપણે એવા વિચારો ન કરવા જોઈએ કે જે આપણા હૃદયમાં શંકા પેદા કરે અને જૂઠાણું ફેલાવે. 10 મે પછી દેશમાં કોઈ ભારતીય સૈનિકો નહીં હોય. યુનિફોર્મમાં નહીં અને નાગરિક વસ્ત્રોમાં પણ નહીં. કોઇપણ વસ્ત્રોમાં ભારતીય સૈન્ય આ દેશમાં રહેશે નહીં. હું વિશ્વાસ સાથે આવું કહું છું.ચીન પાસેથી મફત લશ્કરી સહાય મેળવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તેમણે આ નિવેદન આપ્યું હતું.