ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શનની જામનગરમાં ધામધૂમથી ઊજવણી થઈ હતી. આ ઉજવણીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસમેનો, રાજકીય નેતાઓ, ફિલ્મસ્ટારો તેમ જ અન્ય સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ લગ્નની નાની મોટી દરેક બાબત ‘ટૉક ઓફ ધ ટાઉન’ બની ગઈ છે. ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ઈવેન્ટ યોજાઈ હતી. આ ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશવિદેશની અનેક હસ્તીઓ હાલ જામનગર પહોંચી હતી.
અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની આસપાસના તમામ ગામોમાં ધૂમાડાબંધ જમણવારનું આયોજન કરાયું હતું. ગાગવા, નાની ખાવડી, નવાણીયા, જોગવડ, પીપીળી અને મેઘ સહિતના ગામડાઓમાં જમણવાર અને કેટલાક ગામડાઓમાં લોકડાયરાનું આયોજન કરાયું હતું. તો જોગવડ ગામમાં લોકડાયરાનું આયોજન કરાયું હતું.
આ ઉજવણીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આવવાના હોવાથી આ સમારોહને ધ્યાનમાં રાખીને જ જામનગરના એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દેવાયો હતો.
આ સમારોહમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓ બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, રિહાના, ઈવાંકા ટ્રમ્પ અને અન્ય ઘણાં પૂર્વ વડાપ્રધાન પણ ત્રણ દિવસના પ્રિ વેડિંગ સમારોહમાં સામેલ થવા જામનગર આવી પહોંચ્યા હતા.
નીતા અંબાણીએ નૃત્ય રજૂ કર્યું
પ્રિ-વેડિંગ સેરેમનીમાં અનંત અંબાણીના માતા નીતા અંબાણી ભક્તિ ગીત વિશ્વંભરી સ્તુતિ પર પરફોર્મ કરતી જોવા મળ્યાં હતાં. નીતા અંબાણી પારંપારિક પરિધાનમાં હંમેશાંની જેમ ખૂબ જ સુંદર લાગ્યાં હતાં. સેરેમનીના છેલ્લા દિવસે મહાઆરતી પ્રોગ્રામ હતો. જેમાં નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ પણ ખૂબ જ સુંદર રીતે પર્ફોર્મ કરી હતી. તેમનો ગ્રેસ જોઈને બોલીવૂડના સ્ટાર્સને પણ નવાઈ લાગી હતી. નીતા અંબાણી એક ટ્રેઈન્ડ ભારતનાટ્યમ ડાન્સર છે આ સાથે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ પણ ટ્રેઈન્ડ ભારતનાટ્મ ડાન્સર છે. નીતા અંબાણી સાસ્કૃતિક કાર્યક્રમોમાં વિશેષ રૂચિ ધરાવે છે. ભારતીય પોષાક હોય કે કલા તેમની એક આગવી રૂચિ છે. આ અગાઉ નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ સંગીતના કાર્યક્રમમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ ગીત પર રોમેન્ટિક પરફોર્મન્સ આપ્યું હતું.
અનંતની સ્પીચ સાંભળી મુકેશ અંબાણી ભાવુક થયા
અનંત અંબાણીએ એક ઈમોશનલ સ્પીચ આપી ત્યારે પુત્રની વાતો સાંભળીને મુકેશ અંબાણી ખુશીના આંસુ રોકી શક્યા ન હતા. જામનગરના ખાવડી ગામમાં બીજી માર્ચે ‘એ વૉક ઓન ધ વાઈલ્ડસાઈડ’ નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન અનંત અંબાણીએ મહેમાનોને આવકારીને કહ્યું હતું કે, ‘હું મારી માતાનો ખાસ આભાર માનું છું. તેમણે કહ્યું કે, ‘ઘણાં લોકોને ખ્યાલ નહીં હોય કે મારું જીવન હંમેશા સરળ નથી રહ્યું. બાળપણમાં મેં આરોગ્યને લગતી ઘણી મુશ્કેલીઓ સહન કરી, પરંતુ મારા માતાપિતાએ મને ક્યારેય એવું ના લાગવા દીધું કે, હું પીડાઈ રહ્યો છું. મારા માતાપિતાએ મને હંમેશા સાથ આપ્યો.’ આ વાત સાંભળતા જ મુકેશ અંબાણી તેમના આંસુ રોકી શક્યા ન હતા.