અમેરિકન પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડી રહેલા નિક્કી હેલીએ રવિવારે વોશિંગ્ટન ડીસીમાં પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં પોતાનો પ્રથમ વિજય મેળવ્યો હતો. હેલીનો દેશની રાજધાનીમાં થયેલો આ પ્રથમ પ્રતિકાત્મક વિજય અમેરિકાની લાંબી નામાંકન પ્રક્રિયામાં નિર્ણાયક દિવસ, એટલે કે સુપર ટ્યૂઝડે અગાઉ થયો છે. મંગળવારે અમેરિકાના 15 રાજ્ય અને એક ક્ષેત્રમાં મતદાન થશે. વોશિગ્ટન ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ મનાય છે અને અહીં ખુબ ઓછી સંખ્યામાં રીપબ્લિકન મતદાતા છે. અહેવાલો અનુસાર અહીં રીપબ્લિકન્સના 22,000 વોટ છે. હેલીએ એક જ સ્થળે આયોજીત પ્રાઇમરીમાં કુલ 63 ટકા મત મેળવ્યા હતા.

અગાઉની ચૂંટણીમાં તત્કાલીન ઉમેદવાર જો બાઇડેને વોશિંગ્ટનમાં 92 ટકા મત મેળવ્યા હતા. આ શહેરમાં ક્યારેય રીપબ્લિકન ઉમેદવારને બહુમતી મળી નથી. પ્રાઇમરીમાં વિજય પછી હેલીના કેમ્પેઇને જણાવ્યું હતું કે,‘આ વાતે જરાય આશ્ચર્ય નથી કે વોશિંગ્ટનમાં રીપબ્લિકન પાર્ટીની નજીક રહેલા લોકો ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમણે સર્જેલી અંધાધૂંધીને નકારી રહ્યા છે.

મંગળવારે થનારી પ્રાઇમરી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રીપબ્લિકન પાર્ટી વતી ફરીવાર ઉમેદવારી પ્રાપ્ત કરવાની નજીક પહોંચી શકે છે. અને મંગળવારે યોજાનારી પ્રાઇમરી હેલી માટે ટ્રમ્પની ફરીવાર પાર્ટીના ઉમેદવાર બનવાની કવાયત રોકવા માટેની અંતિમ અને વાસ્તવિક તક બની રહેશે.

LEAVE A REPLY