ટાટા ગ્રુપની અગ્રણી ઓટો કંપની ટાટા મોટર્સ પોતાના બિઝનેસનું બે અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરશે. આ અંગેની સોમવારે જાહેરાત કરતાં કંપનીએ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ટાટા મોટર્સને બે અલગ લિસ્ટેડ કંપનીઓમાં ડિમર્જર કરવાની દરખાસ્તને મંજૂરી આપ છે. આ ડિમર્જરની સમગ્ર પ્રક્રિયા 12થી 15 મહિનામાં પૂરી થવાની ધારણા છે.
ટાટા મોટર્સની એક કંપનીમાં કોમર્શિયલ વ્હિકલ બિઝનેસ સામેલ હશે. આ ઉપરાંત તેના સંલગ્ન ઈન્વેસ્ટમેન્ટને પણ તેમાં જ સમાવી લેવામાં આવશે. જ્યારે બીજી કંપનીમાં પેસેન્જર વ્હિકલ બિઝનેસનો સમાવેશ થશે. આ કંપનીમાં પેસેન્જર વ્હિકલ, ઈલેક્ટ્રિક વ્હિકલ (EV), જેએલઆર અને તેને લગતા ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થશે.
ટાટા મોટર્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.3.28 લાખ કરોડથી વધુ છે, જે તેના પેસેન્જર વ્હિકલ ડિવિઝનમાં મજબૂત પ્રદર્શનને કારણે એક વર્ષના ગાળામાં બમણું થયું છે. ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ હાલમાં ભારતના પેસેન્જર વ્હિકલ માર્કેટમાં બીજા સ્થાન માટે લડાઈ છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ, પેસેન્જર વ્હિકલ, ઈલેક્ટ્રિક વ્હિકલ અને જગુઆર લેન્ડ રોવર (JLR)એ મજબૂત દેખાવ કર્યો છે.
કંપનીના ચેરમેન એન ચંદ્રસેકરને જણાવ્યું કે, ટાટા મોટર્સના ત્રણ ઓટોમોટિવ બિઝનેસ યુનિટ હવે સ્વતંત્ર રીતે કામ કરે છે અને મજબૂત પ્રદર્શન કરી રહ્યા છે. ડિમર્જર કરવાથી તેઓ વધુ સારી રીતે કામ કરી શકશે અને તેના ફોકસમાં વધારો થશે. તેનાથી અમારા કસ્ટમરને પણ વધુ સારો અનુભવ પ્રાપ્ત થશે. અમારા કર્મચારીઓ માટે ગ્રોથની સંભાવના વધશે અને શેરહોલ્ડર્સ માટે વેલ્યૂમાં ઉમેરો થશે.
ટાટા મોટર્સે વર્ષ 2022માં તેના પેસેન્જર વ્હિકલ અને ઈલેક્ટ્રિક વ્હિકલ બિઝનેસને પેટાકંપનીઓમાં રૂપાંતરિત કર્યા પછી આ ડિમર્જર સ્વભાવિક ગણવામાં આવે છે. તેનાથી દરેક બિઝનેસ સેગમેન્ટ પર કંપની વધારે ધ્યાન આપી શકેશે અને દરેક માટે અલગ વ્યક્તિગત સ્ટ્રેટેજી અપનાવશે. તેનાથી જવાબદારી વધશે અને વધુ ઝડપથી નિર્ણયો લઈ શકાશે.