સુપ્રીમ કોર્ટના સોમવારના આદેશને પગલે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)એ તેનું દિલ્હી ખાતેનું પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવું પડશે. આ હેડક્વાર્ટર હાઈકોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આ અતિક્રમણનો કેસ હોવા પર ભાર મૂકીને ભારતની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષને લાંબી મુદત આપી છે.
પક્ષને વૈકલ્પિક જમીન માટે કેન્દ્રની જમીન અને વિકાસ કાર્યાલયમાં અરજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે AAPએ જમીન પર અતિક્રમણ કરી રહી છે. આ જમીન દિલ્હી હાઈકોર્ટના વિસ્તરણ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી હતી. દેશભરમાં ન્યાયિક માળખાને લગતા કેસની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ બાબતની નોંધ લીધી હતી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. કોઈપણ રાજકીય પક્ષ કાયદાને કેવી રીતે હાથમાં લઈ શકે? તમામ અતિક્રમણો દૂર કરવામાં આવશે… હાઈકોર્ટને જમીનનો કબજો આપવો જોઈએ, જેનો ઉપયોગ જનતા અને નાગરિકો માટે થઈ શકે.