અમેરિકા અને યુકે જેવા મહત્ત્વના બજારોમાં ઈલેકટ્રોનિક નિકાસમાં ચીનના પ્રભુત્વને ભારત પડકારી રહ્યું છે અને ભારતની હાજરીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી પછી વૈશ્વિક કંપનીઓ સપ્લાય ચેઇનને જાળવી રાખવા ચીન ઉપરાંત ભારત જેવા દેશોમાં મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી રહી છે અને આ ચાઇના પ્લસ ટ્રેન્ડનો ભારતનો લાભ થઈ રહ્યો છે, એમ એક અભ્યાસમાં જણાવાયું હતું.
યુકે અને યુએસમાં તેની અસર સૌથી વધુ જોવા મળે છે, કારણ કે તાજેતરના વર્ષોમાં ચીન સાથે આ બંને દેશોનો ભૌગોલિક રાજકીય તણાવ વધ્યો છે. લંડન સ્થિત ફેથમ ફાઇનાન્સિયલ કન્સલ્ટિંગના જણાવ્યા અનુસાર ચીનની સરખામણીમાં અમેરિકામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ગયા વર્ષના નવેમ્બરમાં 7.55 ટકા વધી હતી. આ વૃદ્ધિદર 2021ના નવેમ્બરમાં માત્ર 2.51 ટકા હતો. યુકેમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસનો હિસ્સો આ સમયગાળામાં 4.7 ટકાથી વધુને 10 ટકા થયો છે.
ભારત સરકાર ઈલેકટ્રોનિકસનું ઉત્પાદન વધારવા વૈશ્વિક ઉત્પાદકોને વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડી રહી છે. જેમાં વેરામાં રાહત, મૂડી ટેકો, જમીન હસ્તગત કરવાની સરળ પ્રક્રિયા વગેરેનો સમાવેશ થાય છે.
૨૦૨૩ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ભારતની અમેરિકા ખાતે ઈલેકટ્રોનિકસ નિકાસનો આંક બમણો રહીને ૬.૬૦ અબજ ડોલર થયો હતો. જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ હતો. બીજી બાજુ ચીન ખાતેથી અમેરિકાની આયાત ઘટી રહ્યાનું જોવા મળ્યું હતું.
વિદેશની ઈલેકટ્રોનિકસ કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરી અન્ય દેશોમાં નિકાસ કરી રહી છે. જો કે અમેરિકા તથા યુકેની સરખામણીએ યુરોપ અને જાપાનમાં ભારતના બજાર હિસ્સામાં મર્યાદિત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ બજારો ચીનની સાથોસાથ ભારતને પણ વિકલ્પ તરીકે સ્વીકારી રહ્યા છે. તેમણે ચીનને સંપૂર્ણ જાકારો આપ્યો નથી.
ભારતમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કંપનીની સૌથી મોટી મોબાઈલ ફોન ફેક્ટરી છે, જ્યારે એપલ તેના કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપ અને પેગાટ્રોન કોર્પ દ્વારા ભારતમાં તેના તમામ આઇફોનમાંથી ઓછામાં ઓછા 7% બનાવે છે.