કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટના ગયા સપ્તાહના મલ્ટિબિલિયન ડોલરના એક ચુકાદા પછી પાંચ ગુજરાતી બિઝનેસમેન ભાઇઓ વચ્ચેનો 21 વર્ષ જૂનો કાનૂની વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ પરિવારે ડાયમંડના બિઝનેસ અને લોસ એન્જલસના રિયલ એસ્ટેટમાં અબજો ડોલરની કમાણી કરી હતી.

પાંચ મહિનાની ટ્રાયલ પછી જ્યુરીએ હરેશ જોગાણીને તેમના ભાઈઓ શશિકાંત, રાજેશ, ચેતન અને શૈલેષ જોગાણીને $2.5 બિલિયન (₹20,000 કરોડથી વધુ) નુકસાની ચૂકવવા અને તેમના સધર્ન કેલિફોર્નિયા પ્રોપર્ટી એમ્પાયર (લગભગ 17,000 એપાર્ટમેન્ટ)નું વિભાજન કરવાનો આદેશ આપ્યો હતો.

હીરાની ભાગીદારીના નિયમોના ભંગ બદલ હરેશ જોગાણીએ તેમના ભાઇઓ ચેતન અને રાજેશને $165 મિલિયન તેમજ શશીને $1.8 બિલિયનનું નુકસાન ચુકવવું પડશે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ પાર્ટનરશીપના ઉલ્લંઘન બદલ ચેતનને $234 મિલિયન અને રાજેશને $360 મિલિયનનું વળતર ચુકવવું પડશે. ન્યાયાધીશોએ એ પણ તારણ કાઢ્યું હતું કે 77 વર્ષના શશી રિયલ એસ્ટેટમાં 50% ભાગીદારી ધરાવે છે, ત્યારબાદ હરેશ 24 ટકા, રાજેશ 10 ટકા, શૈલેષ 9.5 ટકા અને ચેતન 6.5 ટકા પાર્ટનરશીપ ધરાવે છે. ચોથી નાના ભાઈ ચેતનની ઉંમર આશરે 62 વર્ષ છે.

લોસ એન્જલસની કોર્ટે પાંચ ગુજરાતી ભાઈઓના સંપત્તિ વિવાદમાં આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

હરેશ જોગાણી ડાયમંડ અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. હરેશ જોગાણી તેમના ચાર ભાઈઓ સાથે ભાગીદારીમાં બિઝનેસ કરતા હતાં, પરંતુ પછી તેમણે પાર્ટનરશિપ તોડી નાખી હોવાનો આરોપ મૂકાયો હતો અને ત્યારથી આ કેસ ચાલતો હતો.

આ કેસમાં શ્રેણીબદ્ધ રીતે ઘણી સુનાવણી થઈ હતી અને અંતે આ ચુકાદો આવ્યો હતો. કાનૂની જાણકારોનું કહેવું છે કે અમેરિકાના કોર્ટ ઈતિહાસમાં આ સૌથી મોટા અને મહત્ત્વના ચુકાદા પૈકી એક છે.

જોગાણી પરિવાર મૂળ ગુજરાતી છે અને તેમણે યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મિડલ ઈસ્ટ સુધી પોતાનો બિઝનેસ ફેલાવ્યો હતો. ત્યાર પછી તેમણે અમેરિકામાં પોતાનો બેઝ બનાવ્યો હતો. શશી જોગાણી 1969માં 22 વર્ષની વયે કેલિફોર્નિયા આવ્યા હતા અને ડાયમંડ તથા રિયલ એસ્ટેટનો કારોબાર શરૂ કર્યો હતો. 1990ના દાયકાની શરૂઆતમાં તેમને ભારે નુકસાન થયું અને 1994 પછી તેમની સ્થિતિ ખરાબ થઈ હતી. ત્યાર પછી તેમણે પોતાના ભાઈઓને કંપનીમાં પાર્ટનર બનાવ્યા હતા. ત્યાર બાદ એક ભાઈ હરેશ જોગાણીએ ધીમે ધીમે ખરીદી શરૂ કરી અને 17,000 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા.

થોડા દિવસ પછી તેમણે શશિ સહિત પોતાના ચારેય ભાઈઓને મેનેજમેન્ટમાંથી કાઢી મૂક્યા અને તેમનો હિસ્સો પણ ન આપ્યો. હરેશ જોગાણીએ એવી દલીલ કરી કે તેમણે ભાઈઓ સાથે કોઈ લેખિતમાં એગ્રીમેન્ટ કર્યા ન હતા. તેથી તેઓ તેમના ભાગીદાર સાબિત થઈ શકે નહીં. જોકે, કોર્ટમાં આ દલીલ ચાલી નથી.

આ ગ્રૂપની નાણાકીય તાકાત અને પરિવારના પાંચ સભ્યો વચ્ચેના વિવાદના કારણે અમેરિકન મીડિયામાં આ કેસ ભારે ચમક્યો હતો.

LEAVE A REPLY