તાજેતરના મહિનાઓમાં અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકનો પરના વધુ એક જીવલેણ હુમલામાં ભારતના 34 વર્ષીય ક્લાસિકલ ડાન્સર અને વોશિંગ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થીની મિઝોરી રાજ્યના સેન્ટ લુઇસ શહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી.
કુચીપુડી અને ભરતનાટ્યમ્ ડાન્સર અમરનાથ ઘોષ નૃત્યના સપનાને સાકાર કરવા ગયા વર્ષે કોલકાતાથી અમેરિકા ગયા હતાં. તેમને સેન્ટ લુઈસ એકેડમી અને સેન્ટ્રલ વેસ્ટ એન્ડ નેબરહૂડની સરહદ નજીક ઘણી ગોળીઓ મારવામાં આવી હતી. તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સેન્ટ લુઇસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર ડેલમાર બુલવર્ડ અને ક્લેરેન્ડન એવન્યુમાં મંગળવારે સાંજે 7:15 વાગ્યે ગોળીબાર થયો હતો.
ઘોષ વોશિંગ્ટન યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ વિભાગમાં માસ્ટર્સ કરી રહ્યા હતાં.તેમનું સ્વપ્ન નૃત્યમાં પીએચડી કરવાનું અને કુચીપુડી આર્ટ એકેડમીમાં પૂર્ણ-સમય કામ કરવાનું હતું.
શિકાગોમાં ભારતના વાણિજ્ય દૂતાવાસને સ્થાનિક પોલીસ અને યુનિવર્સિટી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમરનાથ ઘોષના કાકાએ શનિવારે જણાવ્યું હતું કે ગોળીબારના ચાર દિવસ વીતી ગયા પછી પણ તેઓ યુએસએમાં તેમના ભત્રીજાના મૃત્યુની વિગતો વિશે હજુ પણ અંધારામાં છે
મરનાથ ઘોષ મૂળ પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાથી આવ્યા હતા, પરંતુ તેઓ તમિલનાડુના ચેન્નાઈ ખાતે વસવાટ કરતા હતા. તેઓ એક કલાકાર ઉપરાંત કોરિયોગ્રાફર હતા અને આર્ટનું શિક્ષણ આપતા હતા. તેમણે 2007થી 2011 દરમિયાન ચેન્નાઈ સ્થિતિ પ્રતિષ્ઠિત સંસ્થા કલાક્ષેત્રમમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેઓ આ ક્ષેત્રમાં વધારે અભ્યાસ કરવા અને પીએચડી કરવા માટે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ભણવા અમેરિકા આવ્યા હતા જ્યાં તેમની હત્યા કરવામાં આવી છે.
અમરનાથ ઘોષ અલગ અલગ પ્રકારના ચાર ભારતીય નૃત્યોમાં પારંગત હતા. તેઓ ભરતનાટ્યમ ઉપરાંત કુચીપુડી, મણિપુરી અને કથ્થક ડાન્સ જાણતા હતા. તેમણે શાંતિનિકેતન શૈલીમાં રવિન્દ્ર નૃત્ય અને રવિન્દ્ર સંગીતની પણ તાલીમ લીધી હતી. તેમને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય દ્વારા કુચીપુડી ડાન્સ માટે રાષ્ટ્રીય સ્કોલરશિપ મળી હતી. આ ઉપરાંત દિલ્હી સ્થિત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.