લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા ભાજપે શનિવાર, 2 માર્ચે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડશે. પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય પ્રધાનો નામ છે, જેમાં અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા દિગ્ગજ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. અમિત શાહ વર્તમાન ગાંધીનગર અને રાજનાથ લખનૌ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડશે. ગુજરાતની 15 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતાં.

બે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો શિવરાજ સિંહ ચૌહાણ અને બિપ્લબ કુમાર દેબ લોકસભાની ચૂંટણી લડશે. પ્રથમ યાદીમાં ભાજપે આશરે 20 ટકા વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે.

દિલ્હીની કુલ સાત બેઠકોમાંથી પાંચ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. અહીં મોટાપાયે ફેરફાર કર્યા છે અને હાલના ચાર સાંસદોની ફરી ટિકિટ આપી નથી. દિલ્હીમાંથી કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન અને રમેશ બિધુરીને પડતા મૂકવામાં આવ્યા છે.

195 બેઠકોની યાદીમાંથી ભાજપે 2019ની ચૂંટણીમાં 155 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીતની પ્રબળ સંભાવના છે.

પ્રથમ યાદી જાહેર કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે પ્રથમ યાદીમાં  28 મહિલાઓ, 50 વર્ષથી ઓછી ઉંમરના 47 ઉમેદવાર, 27 અનુસૂચિત જાતિ, 18 અનુસૂચિત જનજાતિ અને 57 અન્ય પછાત વર્ગના છે. પ્રથમ યાદીમાં ઉત્તરપ્રદેશની 51, મધ્યપ્રદેશની 24, પશ્ચિમ બંગાળની 20, ગુજરાત અને રાજસ્થાનની 15-15, કેરળની 12, તેલંગાણાની નવ, આસામ, છત્તીસગઢ અને ઝારખંડની 11, દિલ્હીની પાંચ, ઉત્તરાખંડની ત્રણ  તથા અરુણાચલપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાંથી બે-બે બેઠકો માટે પોતાના પોતાના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દમણ અને દીવમાંથી એક-એક બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી ફરીથી લડશે અને શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં તેમના જૂના સંસદીય મતવિસ્તાર વિદિશામાં પાછા ફરશે. શિવરાજ સિંહ ચૌહાણ  2005માં રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં તે પહેલા પાંચ વખત વિદિશા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

કેન્દ્રીય પ્રધાનો સ્મૃતિ ઈરાની, જીતેન્દ્ર સિંહ, સર્બાનંદ સોનોવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવત, જી કિશન રેડ્ડી, કિરેન રિજિજુ, જ્યોતિરાદિત્ય સિંધિયા, અર્જુન રામ મેઘવાલ અને અર્જુન મુંડાના નામ પણ આ યાદીમાં છે. મોદી 2014માં પહેલીવાર વારાણસીથી ચૂંટણી લડી હતી. આ પછી સમગ્ર ઉત્તરપ્રદેશ ભગવો ગઢ બની ગયો છે.

તાવડેએ કહ્યું હતું કે પાર્ટીને વિશ્વાસ છે કે તે વધુ મોટા જનાદેશ સાથે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ત્રીજી ટર્મ માટે સરકાર બનાવશે.પાર્ટી વિવિધ રાજ્યોમાં તેની હાજરીમાં વધારો કરવા અને તેની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને મજબૂત કરવા માટે કામ કરી રહી છે.

ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ મિનાક્ષી લેખીની જગ્યાએ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે દિલ્હી ભાજપે હજુ બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

ભોજપુરી ગાયક અને અભિનેતા પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેનું પ્રતિનિધિત્વ હાલમાં TMC નેતા અને અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહા કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં મોટાભાગના વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી છે અને પાર્ટીના નેતાઓએ સંકેત આપ્યો છે કે બીજી યાદીમાં કેટલાંક નવા નામો હશે. યુપીમાં ભાજપે છેલ્લી વખતે કુલ 80માંથી 62 બેઠકો જીતી હતી અને આગામી ચૂંટણીમાં કુલ 80માંથી લગભગ 75 બેઠકો પરથી ચૂંટણી લડવા માગે છે. યુપીમાં પાર્ટીએ આંબેડકર નગરથી ભૂતપૂર્વ બીએસપી સાંસદ રિતેશ પાંડેને મેદાનમાં ઉતાર્યા છે,  હેમા માલિની, રવિ કિશન, અજય મિશ્રા ટેની, મહેશ શર્મા, એસપીએસ બઘેલ અને સાક્ષી મહારાજને તેમની બેઠકો પરથી રીપિટ કરાયા છે.

ઝારખંડમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ ગીતા કોરાને સિંહભૂમ (ST અનામત)થી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપ કેરળ. તેલંગણા જેવા દક્ષિણી રાજ્યોમાં તેની હાજરીને મજબૂત કરવા માંગે છે. કેરળની કુલ 20માંથી ભાજપ પાસે એકપણ બેઠક નથી, જ્યારે તેલંગણાની 17માંથી ચાર બેઠકો જીતી હતી. પક્ષે કેરળના ત્રિસુરમાંથી અભિનેતા સુરેશ ગોપીને મેદાનમાં ઉતાર્યા છે અને તેલંગાણામાં તેની સંખ્યા વધારવા માટે કેટલાક ભૂતપૂર્વ બીઆરએસ નેતાઓ પર આધાર રાખે છે. ભાજપે 2019ની ચૂંટણીમાં 303 બેઠકો જીતી હતી પરંતુ હાલમાં લોકસભામાં તેની પાસે 290 સભ્યો છે.

 

LEAVE A REPLY