સર્વિસ ફી પેમેન્ટ અંગેના વિવાદમાં પછી ગૂગલે શુક્રવારથી ભારત મેટ્રિમોની જેવી લોકપ્રિય મેટ્રિમોની એપ્લિકેશન્સ સહિતની ભારતની 10 કંપનીઓના એપ્સને તેના પ્લેસ્ટોરમાંથી દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી હતી. જોકે ગૂગલની આ કાર્યવાહીનો ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓએ વિરોધ કર્યો હતો અને તેનાથી સરકારે દરમિયાનગીરી કરી હતી. સરકારની દરમિયાનગીરી પછી ગૂગલે કેટલીક એપ્સને ફરી રિસ્ટોર કરવાની કામગીરી ચાલુ કરી હતી. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, ગૂગલના ભારતમાં કેટલીક એપ્સને તેના એપ સ્ટોરમાંથી દૂર કરવાના નિર્ણયને “પરવાનગી આપી શકાતી નથી.”
ભારતના કેટલાંક સ્ટાર્ટ-અપ્સે ઇન-એપ પેમેન્ટ તરીકે 11થી 26 ટકા ફી લાદવાથી ગૂગલને અટકાવવાના પ્રયાસ ચાલુ કર્યા પછી આ વિવાદ થયો હતો. ભારતના સ્પર્ધા પંચે અગાઉ ગૂગલને 15થી 30 ટકા ફીની સિસ્ટમ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ગૂગલને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોર્ટના બે નિર્ણયો પછી ફી વસૂલવા અથવા એપ્સને દૂર કરવાની લીલીઝંડી મળી હતી.
મેટ્રિમોનીડોટકોમના સ્થાપક મુરુગાવેલ જાનકીરામને જણાવ્યું હતું કે ભારત મેટ્રિમોની, ક્રિશ્ચિયન મેટ્રિમોની, મુસ્લિમ મેટ્રિમોની અને જોડીને શુક્રવારે દૂર કરાઈ હતી. અમારી એપ્સ એક પછી એક ડિલીટ થઈ રહી છે. તેમણે ગૂગલના આ પગલાંને ભારતીય ઇન્ટરનેટ માટે કાળો દિવસ ગણાવ્યો હતો.
આલ્ફાબેટ ઇન્કના યુનિટે ભારતીય કંપનીઓને પ્લે સ્ટોરના ઉલ્લંઘનની નોટિસ મોકલી છે. આ કંપનીઓ ભારતમેટ્રિમોની અને ઇન્ફોએજની માલિકી ધરાવે છે. ઇન્ફોએજ જીવનસાથી ચલાવે છે. બંને કંપનીઓ નોટિસની સમીક્ષા કરી રહી છે અને ભાવિ પગલાંની વિચારણા કરશે.
ઇન્ફો એજના સ્થાપક સંજીવ બિખચંદાનીએ જણાવ્યું હતું કે તેને સમયસર ગૂગલના તમામ પેન્ડિંગ બિલો ક્લિયર કરી દીધા છે અને તે તેની નીતિઓનું પાલન કરે છે. એક બ્લોગ પોસ્ટમાં ગૂગલે જણાવ્યું હતું કે 10 ભારતીય કંપનીઓએ ગુગલ પ્લે માટેની ફીની ચૂકવણી ન કરવા માટે વધુ સમય માગ્યો છે. જોકે ગૂગલે આ કંપનીઓના નામ જાહેર કર્યાં ન હતાં.