હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો સહિત મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. વિભાગે 22 જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં માવઠું થયું હોવાનું જાણવા મળે છે. શનિવારે વહેલી સવારે જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું હતું. ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થવાનો ભય ઊભો થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.