રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો ગુજરાતના જામનગરમાં ‘અન્ન સેવા’ સાથે પ્રારંભ થયો હતો
જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના મામા-દાદી અને માતા-પિતાએ પણ ‘અન્ન સેવા’માં ભાગ લીધો હતો.
લગભગ 51,000 સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવશે, જે આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે. અંબાણીએ ગામવાસીઓ માટે ભોજનની સાથે સાથે મનોરંજનની પણ વ્યવસ્થા કરી હતી. રાત્રિભોજન બાદ ગામજનોને ડાયરા માટે આમંત્રિત કરાયા હતાં. આ ડાયરામાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. જોગવડના ગ્રામજનોએ મુકેશ અંબાણીને હાલારી પાઘડી ઉષ્માભેર સ્વાગત્ કર્યું હતું
આ લગ્નસમારંભ આ વર્ષનો ભારતનો સૌથી મોટો લગ્નસમારંભ બની રહેવાની ધારણા છે. બંને જુલાઈમાં લગ્ન કરશે. અહેવાલો અનુસાર પ્રી-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં 1-3 માર્ચ દરમિયાન યોજાનાર છે. આ સેલિબ્રેશનમાં વિશ્વભરના ઉદ્યોગપતિઓ, હોલિવૂડ અને બોલિવૂડ એક્ટર્સ તથા ખેલાડીઓ સહિત લગભગ 1,000 મહેમાનો હાજરી આપે તેવી ધારણા છે.
પ્રી-વેડિંગ સેલિબ્રેશન થીમ આધારિત છે. પ્રથમ દિવસ એટલે કે પહેલી માર્ચની થીમ ઇવનિંગ ઇન એવરલેન્ડ, જેમાં મહેમાનોને સાંજના કોકટેલ પોશાક પહેરવા માટે વિનંતી કરવામાં આવે છે.
બીજા દિવસની થીમ “અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ” (2જી માર્ચ) છે, જેમાં જંગલ ફીવર ડ્રેસ કોડ સાથે પરંપરાગત પ્રવૃત્તિઓ થશે. ત્રીજા દિવસે “ટસ્કર ટ્રેલ્સ અને હષ્ટાક્ષર” (3જી માર્ચ) નામની બે ઇવેન્ટ યોજાશે, જેમાં મહેમાનો પરંપરાગત પોશાકમાં, ટ્રેઇલ પર જામનગરની મનોહર સુંદરતાનો આનંદ માણશે.
પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને તેની પૌત્રી રાહા અને નીતુ કપૂર જામનગર પહોંચ્યાં હતા. આ ઉપરાંત ગુરુવારે અર્જૂન કપૂર, સલમાન ખાન, ગ્લોબલ આર્ટિસ્ટ એડમ બ્લેકસ્ટોન, જસ્ટિન ટિમ્બરલેક, અમેરિકન ગાયક અને ગીતકાર જે. બ્રાઉન સહિતની હસ્તીઓ જામનગર આવી પહોંચી હતી. આ જશ્નને વધુ ખાસ બનાવવા માટે ગ્લોબલ સિંગર રિહાના પણ પરફોર્મ કરશે.