એશફિલ્ડના સાંસદ લી એન્ડરસની વિવાદાસ્પદ ટીપ્પણી પછી લંડનના લેબર મેયર સાદિક ખાને વડાપ્રધાન ઋષિ સુનક અને ટોરી પક્ષના ટોચના નેતાઓની આકરી નિંદા કરી હતી અને એન્ડરસનની ટીપ્પણીને “અજ્ઞાનતા, પૂર્વગ્રહયુક્ત અને જાતિવાદી” ગણાવી હતી.
ઇવનિંગ સ્ટાન્ડર્ડ પરના અભિપ્રાયમાં લંડનના મેયરે જણાવ્યું હતું કે “મુસ્લિમ વિરોધી કટ્ટરતા અને જાતિવાદને ગંભીરતાથી લેવામાં આવતા નથી.”
અગાઉ એન્ડરસને આક્ષેપ કર્યો હતો કે સાદિક ખાન રાજકીય લાભ મેળવવા માટે બેવડા ધોરણો અપનાવે છે. શુક્રવારે GB ન્યૂઝ પર બોલતા એન્ડરસને દાવો કર્યો કે “લંડનના મેયરનો અંકુશ ઇસ્લામવાદીઓના હાથમાં છે.
આ ટીપ્પણીથી વિપક્ષ અને કેટલાક વરિષ્ઠ ટોરી સાંસદોમાં પણ આક્રોશ ફેલાયો હતો. એક દિવસ પછી તેમને સંસદમાં ટોરી પાર્ટી સાથે બેસવાથી સસ્પેન્ડ કરાયા હતાં. બીજી તરફ બચાવની સ્થિતિમાં આવી ગયેલા સુનકે જણાવ્યું હતું કે એન્ડરસનની ટિપ્પણી “ખોટી” અને “અસ્વીકાર્ય” છે. એશફિલ્ડના સાંસદ સામે પગલાં લેવામાં આવ્યા હોવા છતાં ડાઉનિંગ સ્ટ્રીટને એન્ડરસનની ટિપ્પણીને “ઇસ્લામોફોબિક” કહેવાનો ઇનકાર કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે.
વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસ્લિમ વિરોધી દ્વેષ સહન કરાશે નહીં. જોકે તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ મુસ્લિમો અંગેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપે રજૂ કરેલી ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા સામે સરકારને સમસ્યા છે.