રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવાર, 26 ફેબ્રુઆરીએ વનતારા નામના ભારતના તેના પ્રથમ પ્રકારના પ્રોજેક્સનો પ્રારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટનો હેતુ ભારત અને વિદેશમાં ઘાયલ, દુર્વ્યવહારનો ભોગ બનેલા તથા ભયગ્રસ્ત પ્રાણીઓને બચાવવાનો, તેમની સારવાર, સંભાળ અને પુનર્વસન કરવાનો છે.
આ એનિમલ શેલ્ટર આશરે 3,000 એકરમાં પથરાયેલું છે. RIL અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અનંત અંબાણીએ વનતારા પહેલની કલ્પના કરી હતી. આ પ્રસંગે બોલતા અનંત અંબાણીએ કહ્યું હતું કે “અમે જોખમમાં રહેલી પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટની અંદર 3,000 એકરમાં ફેલાયેલા વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે પ્રાણી સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી યોગદાન આપવાનો છે.
તેમણે જણાવ્યું હતું કે “અમે 200થી વધુ હાથીઓને બચાવ્યા છે અને તેમને દેશના તમામ ભાગોમાંથી અહીં લાવ્યા છે. અમે અહીં હાથીઓની ‘સેવા’ કરીએ છીએ. આ કોઈ પ્રાણી ઉદ્યાન નથી પરંતુ ‘સેવાાલય’ છે. 600 એકર વિસ્તારને હાથીઓ માટે કુદરતી રહેઠાણ તરીકે વિકસાવવામાં આવ્યો છે. અમે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે વેટરનરી હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલમાં એમઆરઆઈ અને સીટી સ્કેન મશીન, એન્ડોસ્કોપિક રોબોટિક સર્જરી મશીનો અને 6 સર્જિકલ સેન્ટર છે. અમે અહીંની હોસ્પિટલમાં પ્રાણીઓ માટે પ્રોસ્થેટિક્સ પણ મુકીએ છીએ… ઝૂઓલોજિકલ પાર્ક ટૂંક સમયમાં લોકો માટે ખોલવામાં આવશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રોગ્રામમાં 200થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે.