(ANI Photo)

ભારતે ઘર આંગણે ટેસ્ટ સીરીઝમાં અજેય રહેવાનો રેકોર્ડ અકબંધ રાખતાં સોમવારે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી પાંચ ટેસ્ટ મેચની આ સીરીઝમાં 3-1 સાથે વિજય હાંસલ કર્યો હતો. હવે પાંચમી ટેસ્ટ મેચ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સની દ્રષ્ટિએ મહત્ત્વની બની રહેશે.

રાંચી ટેસ્ટ મેચમાં ભારતને બે નવી ક્રિકેટ પ્રતિભાઓ મળી હતી. વિકેટ કીપર બેટર ધ્રુવ જુરેલે રાંચીમાં બન્ને ઈનિંગમાં મહત્ત્વનો ફાળો આપી પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો, તો પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં નવોદિત ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં જ તેના ટોપ ત્રણ બેટર્સની – બન્ને ઓપનર્સ તથા ત્રીજા ક્રમના બેટરની વિકેટ ખેરવી પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. તે ઉપરાંત પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને કેટલાક નવા રેકોર્ડ સાથે મેચમાં કુલ 6 – પહેલી ઈનિંગમાં એક અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. તેના સિવાય રવીન્દ્ર જાડેજાએ કુલ 5 અને કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. સારી શરૂઆત પછી આકાશદીપ ત્રાટકતાં ઈંગ્લેન્ડે 10મી ઓવરમાં બેન ડકેટની અને ઓલી પોપની વિકેટ 47 રનના સ્કોરે જ ગુમાવી દીધી હતી. તો 12 ઓવરમાં ઝેક ક્રોલી પણ આકાશ દીપનો શિકાર બન્યો હતો. 112માં રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા પછી જો રૂટની અણનમ સદી (122) તથા બેન ફોક્સ (47) અને ઓલી રોબિન્સન (58) ના મજબૂત પ્રતિકારના સહારે ઈંગ્લેન્ડ 353 રનનો મજબૂત સ્કોર ખડકી શક્યું હતું.

જવાબમાં ભારતની નબળી શરૂઆત અને મીડલ ઓર્ડરના સામાન્ય દેખાવ છતાં ફક્ત 171 રનમાં સાત વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને ત્યારે ઈંગ્લેન્ડને જંગી સરસાઈ મળશે તેવું લાગતું હતું, પણ ધ્રુવ જુરેલના 90 અને કુલદીપ યાદવના 28 રન સાથે આઠમી વિકેટની તેમની 76 રનની ભાગીદારી તેમજ એ પછી જુરેલ આકાશ દીપની 40 રનની ભાગીદારી સાથે 307 રનનો સંતોષકારક સ્કોર કરી શક્યું હતું. આ રીતે, ઈંગ્લેન્ડને 46 રનની સરસાઈ મળી હતી.

પણ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ તો ફક્ત 54 ઓવરમાં, 145 રનમાં સંકેલાઈ ગઈ હતી. ઝેક ક્રોલીના 60 અને જોની બેરસ્ટોના 30 રન મુખ્ય હતા, તો અશ્વિને 15.5 ઓવરમાં 51 રન આપી પાંચ તથા કુલદીપ યાદવે 15 ઓવરમાં બે મેઈડન સાથે ફક્ત 22 રન આપી ચાર વિકેટ ખેરવી હતી. આ ઈનિંગની વિશેષતા એ હતી કે, ફાસ્ટ બોલર્સની એમાં લગભગ કોઈ ખાસ ભૂમિકા જ નહોતી – આકાશ દીપને તો બોલિંગ અપાઈ જ નહોતી, જ્યારે મોહમદ સિરાજે ફક્ત ત્રણ ઓવર બોલિંગ કરી હતી.

આ રીતે, ભારતને વિજય માટે છેલ્લી ઈનિંગમાં 192 રન કરવાનો ટાર્ગેટ મળ્યો હતો, જે દેશમાં ચોથી ઈનિંગમાં ભારતે અત્યારસુધી વિજય માટે ચોથી ઈનિંગમાં કરેલો સૌથી વધુ સ્કોર બન્યો હતો. સુકાની રોહિત શર્માએ ઝમદકાર બેટિંગ સાથે 81 બોલમાં 55 રન કર્યા હતા, તો શુભમન ગિલે ધીરજપૂર્વક રમી 124 બોલમાં અણનમ 52 તથા ધ્રુવ જુરેલે પણ ધીરજપૂર્વક રમી 77 બોલમાં અણનમ 39 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 37 રન કર્યા હતા, તો રજત પાટીદાર માટે આ ટેસ્ટ નિરાશાજનક રહ્યો હતો.

આ સીરીઝમાં હૈદરાબાદની પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડના 28 રને વિજય પછી ભારતે જોરદાર હરીફને કોઈ તક આપી નથી અને વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ 106 રને, રાજકોટમાં ત્રીજી ટેસ્ટ 434 રને અને હવે રાંચીમાં ચોથી ટેસ્ટમાં પાંચ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.

 

ઘરઆંગણે સતત ટેસ્ટ શ્રેણી જીતવાનો સૌથી લાંબો સિલસિલો

ટીમ                 વિજય      વર્ષ

ભારત              17           2013-2024

ઓસ્ટ્રેલિયા         10           1994-2001

ઓસ્ટ્રેલિયા         10            2004-2008

વેસ્ટ ઈન્ડિઝ        08           1976-1986

ન્યૂઝીલેન્ડ          08           2017-2021

 

LEAVE A REPLY