રશિયન આર્મીમાં સહાયક સ્ટાફ તરીકે કામ કરતા ભારતીયોને વહેલા “ડિસ્ચાર્જ” કરવામાં આવે તે માટે ભારત સરકાર મોસ્કોના સંપર્કમાં છે. સરકારે દેશના નાગરિકોને યુક્રેનમાં સંઘર્ષ ક્ષેત્રથી દૂર રહેવાનો પણ અનુરોધ કર્યો છે.
ભારતના કેટલાંક નાગરિકો રશિયન આર્મીમાં સપોર્ટ તરીકે કામ કરી રહ્યાં હોવાના અહેવાલ પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની આ ટિપ્પણી કરી હતી. જયસ્વાલે જણાવ્યું હતું અમે જાણીએ છીએ કે કેટલાંક ભારતીય નાગરિકો રશિયન સેનામાં સહાયક તરીકે નોકરીમાં જોડાયા છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસે તેમના વહેલા ડિસ્ચાર્જ માટે સંબંધિત રશિયન અધિકારીઓ સાથે નિયમિતપણે આ મામલો ઉઠાવ્યો છે. અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.
મીડિયા અહેવાલો અનુસાર ભારતના ઘણા નાગરિકો રશિયન સૈન્યમાં સુરક્ષા સહાયક તરીકે કામ કરી રહ્યા છે અને તેઓને યુક્રેન સાથેની રશિયાની સરહદે કેટલાક વિસ્તારોમાં યુદ્ધ કરવાની ફરજ પડાઈ છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ વિદેશ મંત્રાલયને ભારતીયોને બચાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે તેમનો જીવ જોખમમાં છે અને તેમના પરિવારો ચિંતિત છે.
દરમિયાન રાયસીના ડાયલોગમાં ઇન્ટરેક્ટિવ સેશનમાં હાલની વૈશ્વિક ભૂ-રાજકીય ગતિવિધિ અને તેની અસર અંગે ટીપ્પણી કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે રશિયા શાસનકળાની વિશાળ પરંપરા સાથેનો એક શક્તિશાળી દેશ છે અને તે એશિયા અથવા વિશ્વના બિન પશ્ચિમી દેશો તરફ વધુ ઢળી રહ્યો છે. ચીન સાથે મોસ્કોની વધતી નિકટતા પર સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેનાથી રશિયાને વિવિધ વિકલ્પો મળી રહે છે.