એરપોડ્સ અને મેક્સ જેવી જાણીતી પ્રોડક્સ્ટની ઑડિઓ સુવિધાઓની દેખરેખ રાખતી હાર્ડવેર ટીમમાં અગ્રણી ટેકનોલોજી કંપની એપલે મોટા ફેરફાર કર્યા છે. એપલના અકુસ્ટિક્સ ડિવિઝનના વડા ગેરી ગ્રીવ્સ રાજીનામું આપી રહ્યાં છે અને કંપનીએ તેમની જગ્યાએ રૂચિર દવેની નિમણુક કરી હોવાનો બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો. રૂચિર દવે એકુસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. જોકે આ અંગે કંપનીએ હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
બ્લૂમબર્ગનો અહેવાલ મુજબ આ હિલચાલથી વાકેફ લોકોએ દવેની નવી ભૂમિકા અંગે માહિતી આપી છે. એપલની હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ છે અને કંપનીના હોમપેડ,એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીઓમાં પ્રગતિની પણ દેખરેખ રાખે છે.
રુચિર દવે આશરે 14 વર્ષથી એપલમાં કામ કરી રહ્યાં છે. તેઓ વર્ષ 2009માં આ કંપની સાથે જોડાયા હતા. અહીં તેઓ એકુસ્ટિક્સ એન્જિનિયર ટીમને કમાન્ડ કરતા હતા. આ પછી તેમને વર્ષ 2012માં મેનેજર લેવલ પર બઢતી અપાઈ હતી. 2021માં તેમને સિનિયર ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરાયા હતા. રુચિર દવેએ એપલ પહેલા લગભગ 10 વર્ષ સુધી સિસ્કોમાં કામ કર્યું હતું.
રુચિર દવેએ અમદાવાદની શારદા મંદિર શાળામાં 1982થી 1994 સુધી અભ્યાસ કર્યો હતો. આ પછી તેઓ 1998માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા હતાં. ત્યારબાદ તેઓ પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા.