રેડિયોના બિનાકા ગીતમાલા કાર્યક્રમથી મશહૂર અવાજ બનેલા અમીન સયાનીનું બુધવારે મુંબઈમાં 91 વર્ષની વયે અવસાન થયું હતું. સયાનીને મંગળવારે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો અને દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતાં, એમ તેમના પુત્ર રાજીલે જણાવ્યું હતું. સયાનીના અવસાન પર શોક વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આઇકોનિક રેડિયો પ્રેઝન્ટરે શ્રોતાઓ સાથે ખૂબ જ ખાસ બંધન બનાવ્યું હતું.
રેડિયો સિલોન પર 1952થી 1988 દરમિયાન દર બુધવારે “નમસ્તે બહેનો ઔર ભાઇયો, મેં આપકા દોસ્ત આમીન સયાની બોલ રહા હૂં” અવાજ ઘર-ઘરમાં જાણીતો બન્યો હતો, જે હજુ પણ શ્રોતાઓને યાદ છે.
1988 પછી બિનાકા ગીતમાલા ઓલ ઈન્ડિયા રેડિયોની વિવિધ ભારતીમાં ચાલુ થયો હતો અને અને 1994 સુધી ચાર્ટ પર રાજ કર્યું હતું. 21 ડિસેમ્બર 1932એ મુંબઈમાં બહુભાષી પરિવારમાં જન્મેલા સયાનીએ 42 વર્ષમાં 50,000થી વધુ શોનું પ્રેઝન્ટર અને વોઇસ બન્યાં હતા.
તેમણે AIRની હિન્દી સેવા માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ થોડા ગુજરાતી ઉચ્ચારને કારણે તેમને નકારવામાં આવ્યા હતાં. જોકે તે સમયે રેડિયો સિલોન અંગ્રેજી, તમિલ અને હિન્દીમાં તેના કાર્યક્રમો માટે લોકપ્રિય બન્યો હતો. અમેરિકન બિઝનેસમેન ડેનિયલ મોલિનાએ મુંબઈમાં પોતાની કંપની રેડિયો એડવર્ટાઈઝિંગ સર્વિસની સ્થાપના કરી હતી તેમણે રેડિયો સિલોનની પ્રોડક્શન શાખા ચલાવવા માટે સયાનીના મોટા ભાઈ હામિદ સાયનીને રાખ્યા હતાં. આ પછી હિન્દી ગીતોના પ્રોગ્રામ માટે અમીન સયાનીને રાખવામાં આવ્યા હતાં. ડિસેમ્બર 1952માં હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ બિનાકા ગીતમાલા સાથે સયાની રેડિયો પ્રેઝન્ટર બન્યાં હતા. આ કાર્યક્રમ 42 વર્ષ સુધી ચાલ્યો હતો.