આધુનિક ભારતનું નિર્માણ કરનારી અનેક સીમાચિહ્નરૂપ કાનૂની કાર્યવાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને ભારતીય ન્યાયતંત્રના ‘ભીષ્મ પિતામહ’ ગણાતા ફલી એસ નરીમનનું બુધવારે દિલ્હીમાં અવસાન થયું હતું. તેઓ 95 વર્ષના હતાં. તેઓ હ્રદય રોગ સહિત વિવિધ બિમારીઓથી પીડિત હતાં. તેમને 1991માં પદ્મ ભૂષણ અને 2007માં પદ્મ વિભૂષમથી નવાજવામાં આવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનૂની વિદ્રાનના મૃત્યું પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે સામાન્ય નાગરિકોને ન્યાય સુલભ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
નરીમનના તેમના પુત્ર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન નરીમન, પુત્રી અનાહીતા અને પુત્રવધૂ સનાયાને વિલાપ કરતાં છોડી ગયા હતાં. તેમની પત્ની બાપ્સી નરીમાનનું 2020માં અવસાન થયું હતું.
તેમનો જન્મ 10 જાન્યુઆરી, 1929એ મ્યાનમારના રંગૂન (હાલના યાંગોન)માં એક સુખી પારસી પરિવારમાં થયો હતો. તેઓ માત્ર 12 વર્ષના હતાં ત્યારે જાપાની આક્રમણ વખતે પરિવાર સાથે ભારત આવી ગયાં હતાં. નરીમને નવેમ્બર 1950માં બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ બન્યાં હતાં. તેમણે 70 વર્ષથી વધુ સમય સુધી કાયદાની પ્રેક્ટિસ કરી હતી. તેમણે શરૂઆતમાં બોમ્બે હાઈકોર્ટમાં અને 1972થી સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી.
મે 1972માં નરીમનને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ બનાવાયા હતા. જોકે ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વિરોધ કરતાં રાજીનામું આપ્યું હતું.
પ્રસિદ્ધ કારકિર્દીમાં નરીમાને ભોપાલ ગેસ દુર્ઘટના કેસ, જે જયલલિતાની અપ્રમાણસર સંપત્તિનો કેસ અને રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચને સંબંધિત કેસ સહિત અનેક સીમાચિહ્નરૂપ કેસોમાં દલીલો કરી હતી. તેમને 1991માં પદ્મ ભૂષણ અને 2007માં દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ મળ્યું હતું. નવેમ્બર 1999માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ થયા હતા. પીઢ વકીલ 1991 થી 2010 સુધી બાર એસોસિએશનના પ્રમુખ પણ હતાં.