મોબાઇલ ફોન વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધરૂપ બનતો હોવાથી બ્રિટન સરકારે શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ મુકયો છે. બ્રિટન સરકારના આ નિર્ણય બાદ ઘણા દેશોમાં ચર્ચા થવા લાગી છે.
સુનકે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી.
આ અંગેની ગાઇડલાઇન્સ સરકારે ગત સોમવારે બહાર પાડી હતી. આ ગાઇડલાઇન્સ પ્રમાણે હેડ ટીચર શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાં રિસેસનો સમય પણ આવી જાય છે. યુકેની ઘણી શાળાઓ પહેલેથી જ મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકી ચૂકી છે અને તેનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે. યુકેની શાળાઓના 12 વર્ષની ઉંમરના 97 ટકા વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન ધરાવે છે. ગત વર્ષે યુનેસ્કોએ પણ શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી.
વડાપ્રધાન ઋષિ સુનકે આ અંગેનો એક ક્રિએટિવ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમનો ફોન વારંવાર વાગી રહ્યો છે. ઋષિ સુનકે વિડિયો દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે કે કેવી રીતે મોબાઈલ ફોન વર્ગખંડમાં સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ વારંવાર વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ વચ્ચે જ તેનો ફોન વાગી રહ્યો છે. ફોનની ત્રણ વાર રિંગ વાગ્યા પછી, ઋષિ સુનકે ખિસ્સામાંથી ફોન કાઢીને બાજુ પર મૂક્યો અને કહ્યું જુઓ આ કેટલું ત્રાસજનક છે.
અન્ય એક નિવેદનમાં, ઋષિ સુનકે કહ્યું કે માધ્યમિક શાળાના લગભગ એક તૃતીયાંશ વિદ્યાર્થીઓએ કહ્યું કે ફોનને કારણે તેમનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે.
ઘણી શાળાઓએ પહેલાથી જ તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધને લઈને નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. ઋષિ સુનકે કહે છે કે અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આપણા બાળકોને એવું શિક્ષણ મળવું જોઈએ જેના તેઓ હકદાર છે.