ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ(ANI Photo)

આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની ચોથા રાઉન્ડની મંત્રણામાં સરકારે રજૂ કરેલી દરખાસ્તને ખેડૂતોએ ફગાવી દીધી હતી અને બુધવારથી દિલ્હી ચલો કૂચ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. સરકારે જૂના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)એ મકાઈ, કપાસ અને ત્રણ પ્રકારના કઠોળ ખરીદવા માટે પાંચ વર્ષના કરારની દરખાસ્ત કરી હતી. બીજી તરફ ખેડૂતો તમામ કૃષિ પેદાશો માટે ટેકાના ભાવની કાનૂની ગેરંટી માગે છે.

પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સર્વન સિંહ પંઢેરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતો 21 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’ કૂચ સાથે આગળ વધવાનું ચાલુ રાખશે

ખેડૂતોએ પોતાની વિવિધ માગણીઓ સાથે 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો કૂચ ચાલુ કરી હતી. પંજાબના ખેડૂતોને હરિયાણા સત્તાવાળાએ બોર્ડર પર અટકાવી દીધા છે અને તેમના દિલ્હી તરફ આગળ વધવા દીધા છે. બીજી તરફ અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે ચાર રાઉન્ડની બેઠક યોજાઈ છે, પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી.

ચોથા રાઉન્ડની બેઠક પહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સમય વેડફ્યા વગર લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલાં ખેડૂતોની માંગણીઓ સ્વીકારવી જોઈએ. જો સરકાર વિચારતી હોય કે આદર્શ આચાર સંહિતા લાગુ ન થાય ત્યાં સુધી તે બેઠકો કરવાનું ચાલુ રાખશે અને પછી કહેશે કે આચારસંહિતા લાગુ પડી હોવાથી તે  કંઈ કરી શકશે નહીં…તો ખેડૂતો પાછા ફરવાના નથી

આ બેઠકમાં કેન્દ્ર વતી કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય સામેલ થયા હતા. આ બેઠક સેક્ટર 26માં મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે યોજાઈ હતી. બેઠકમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ જોડાયા હતા.

કેન્દ્રીય પ્રધાનો અને ખેડૂત નેતાઓ અગાઉ 8, 12 અને 15 ફેબ્રુઆરીએ મળ્યા હતાં, પરંતુ વાતચીત અનિર્ણિત રહી હતી. પંજાબના આંદોલનકારી ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચેની  શંભુ અને ખનૌરી બોર્ડર પર એકઠા થયા છે. એમએસપીની કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, કૃષિ દેવા માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, લખીમપુર ખીરી હિંસાના કેસમાં પોલીસ કેસ પાછા ખેંચવા અને 2021ના પીડિતો માટે “ન્યાય”ની માંગ કરી રહ્યા છે.

ચોથા રાઉન્ડની વાટાઘાટોના પહેલા સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) મંગળવારથી ત્રણ દિવસ માટે પંજાબમાં ભાજપના નેતાઓના ઘરનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. SKMના નેતા બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું હતું કે તેઓ મંગળવારથી ગુરુવાર સુધી પંજાબ ભાજપના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરશે. લુધિયાણામાં SKM નેતાઓની બેઠક બાદ રાજેવાલે કહ્યું કે તેઓ રાજ્યના તમામ ટોલનાકાં પર વિરોધ કરશે અને 20 થી 22 ફેબ્રુઆરી સુધી તમામ મુસાફરો માટે તેમને મફત બનાવશે.

 

LEAVE A REPLY