બ્રિટનમાં આ વર્ષના અંત ભાગમાં યોજાનારી ચૂંટણી પહેલા વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીનો શુક્રવારે હાઉસ કોમન્સની બે બેઠકોની પેટાચૂંટણીમાં પરાજય થયો હતો. આ બંને બેઠકો લેબર પાર્ટીએ સત્તારૂઢ પાર્ટી પાસેથી છીનવી લીધી હતી.
સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડની કિંગ્સવૂડ બેઠક પર લેબરના ડેન ઇગનનો અને ઇંગ્લેન્ડના ઇસ્ટ મિડલેન્ડ રિજનની વેલિંગબરો બેઠક પરથી પાર્ટીના જેન કિચનનો વિજય થયો હતો. 2019માં યોજાયેલી ચૂંટણીમાં બોરિસ જોન્સનની આગેવાની હેઠળ કન્ઝર્વેટિવ પાર્ટીએ આ બંને બેઠક મોટા માર્જિનથી જીતી હતી, તેથી ચૂંટણીના આ પરિણામો સુનક માટે બેવડા ફટકા સમાન છે.
બીજો નોંધપાત્ર ટ્રેન્ડ એ જોવા મળ્યો છે કે કટ્ટર જમણેરી રિફોર્મ યુકે આ ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટ્સ અને ગ્રીન પાર્ટીને પાછળ રાખીને ત્રીજા ક્રમે આવી હતી. એન્ટિ ઇમિગ્રેશન અને બ્રેક્ઝિટ પાર્ટી તરીકે ઓળખાતા જમણેરીઓની તાકાતમાં વધારો થવાથી ઇમિગ્રેશન જેવા વિવાદાસ્પદ મુદ્દા પર કન્ઝર્વેટિવ પાર્ટી પર વધુ દબાણ આવશે.
સુનકની ગ્રીન પોલિસીને લઈને સાંસદ ક્રિસ સ્કિડમોરે રાજીનામુ આપ્યા પછી આ કિંગ્સવૂડ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. લેબર પાર્ટીના ઇગને 11 હજાર કરતાં વધારે મતથી આ બેઠક જીતી હતી. કન્ઝર્વેટિવ સાંસદ પીટર બોનને અયોગ્ય જાતીય વર્તણૂક અને આક્રમક વ્યવહારના લીધે પરત બોલાવાતા વિલિંગબરોની બેઠક ખાલી પડી હતી. પીટર બોને તેમના પરના આરોપ નકાર્યા હતા. લેબરના કિચને આ બેઠક પર 18 હજાર કરતાં વધુ મતથી વિજય મેળવ્યો હતો.