(ANI Photo)
હવે ફિલ્મોમાં ઓછી જોવા મળતી શિલ્પા શેટ્ટી ઘણા ટીવી શોમાં દેખાય છે. કહેવાય છે કે, તેણે અભિનયમાંથી થોડા સમય માટે વિરામ લીધો હતો, પરંતુ તેણે તેનું આરોગ્ય જાગૃત્તિનું કામ ક્યારેય અટકાવ્યું નથી. ફિટનેસ અને યોગ માટે અનેક લોકોને પ્રેરણા આપનારી શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે, સેલિબ્રિટીનું કામ માત્ર ગ્લેમર પિરસવાનું નથી. સમાજમાં સારી પ્રેરણા આપવાની જવાબદારી પણ સેલિબ્રિટીના ખભે હોય છે અને આ બાબતે તે જાગૃત છે.
શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં વેબસીરિઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં બહાદુર પોલીસ ઓફિસર તારા શેટ્ટીનો રોલ કર્યો છે. શિલ્પાનો આ અંદાજ મહિલા દર્શકોને ગમ્યો છે. શિલ્પાની સાથે આ સીરિઝમાં વિવેક ઓબેરોય અને સિદ્ધાર્થ મલહોત્રા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ભવિષ્યમાં પોલીસ ઓફિસરનો રોલ કરવા અંગે શિલ્પાએ જણાવ્યું હતું કે, KD-ધ ડેવિલ પૂર્ણ થયા પછી તે નવો પ્રોજેક્ટ હાથ પર લેશે. કામ અને પરિવારની જવાબદારી વચ્ચે સંતુલન સાધવાનું જરૂરી છે. પાછલા બે વર્ષમાં આકરી મહેનત કરી છે, પરંતુ હવે સ્ક્રિપ્ટ્સને પૂરી સાંભળ્યા પછી યોગ્ય નિર્ણય લેવો છે. દર્શકો નિરાશ ન થાય તે રીતે કામ કરવું છે.
તાજેતરમાં ચેન્જ ઓફ ચેમ્પિયન્સ એવોર્ડથી શિલ્પાનું સન્માન થયું હતું. આરોગ્ય બાબતે લોકોમાં જાગૃતિ લાવવાના શિલ્પાના પ્રયાસોને બિરદાવતા આ એવોર્ડ એનાયત થયો હતો. શિલ્પાનું માનવું છે કે, સેલિબ્રિટીનું કામ માત્ર ગ્લેમર બતાવવાનું નથી. સમાજમાં સારા કારણો માટે પણ તેમનું યોગદાન હોવું જોઈએ. દરેકના જીવનમાં આરોગ્યને પ્રાથમિકતા મળવી જોઈએ અને આ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ અવિરતપણે ચાલુ રાખશે.

LEAVE A REPLY