દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં વિશ્વાસ દરખાસ્ત પરની ચર્ચા દરમિયાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે દાવો કર્યો હતો કે AAP ભાજપ માટે સૌથી મોટો પડકાર છે અને તેથી જ પક્ષ તરફ ચારે બાજુથી હુમલા થઈ રહ્યાં છે. મુખ્યપ્રધાને જાતે જ રજૂ કરેલી વિશ્વાસ દરખાસ્તને ધ્વનીમતથી પસાર કરાઈ હતી. આ દરમિયાન AAPના 62માંથી માત્ર 54 ધારાસભ્યો હાજર રહ્યાં હતા.
કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભાજપ આ વર્ષની લોકસભાની ચૂંટણી જીતી જાય તો પણ AAP 2029ની ચૂંટણીમાં દેશને ભગવા પક્ષથી આઝાદ કરશે .તેમની સરકાર પાસે ગૃહમાં બહુમતી છે, પરંતુ ભાજપ પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરતા હોવાથી વિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જરૂર હતી. AAPના કોઈ ધારાસભ્યએ પક્ષપલટો કર્યો નથી. બે ધારાસભ્યો જેલમાં છે, કેટલાંક બીમાર છે અને કેટલાક દિલ્હીની બહાર છે.
દરમિયાન ઇડીએ દાખલ કરેલી એક ફરિયાદના સંદર્ભમાં દિલ્હીની કોર્ટે કેજરીવાલને રૂબરુ હાજરીમાંથી મુક્તિ આપી હતી. શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ ઇડીએ આ ફરિયાદ દાખલ કરી હતી. આપ નેતા વીડિયો કોન્ફરન્સિંગ મારફત કોર્ટમાં હાજર રહ્યાં હતા અને રૂબરુ હાજરીમાંથી મુક્તિ આપવાની વિનંતી કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હોવાથી તેઓ રૂબરુ હાજર રહી શકે તેમ નથી.