ન્યૂયોર્કના એક ન્યાયાધીશે શુક્રવારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ સંગઠનને એક સિવિલ ફ્રોડ કેસમાં આશરે 355 મિલિયન ડોલરનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
90 પાનાના ચુકાદા મુજબ ટ્રમ્પને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્ક રાજ્યમાં કંપની ડાયરેક્ટર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના પુત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ પ્રત્યેકને ચાર મિલિયન યુએસ ડોલરનો દંડ કરાયો છે. તેઓને બે વર્ષ માટે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અટકાવવામાં આવ્યા છે.
જાન્યુઆરીમાં સમાપ્ત થયેલા ટ્રાયલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બે પુખ્ત પુત્રોને પહેલાથી જ તેમની મિલકતોની કિંમતમાં કરોડો ડોલરના વધારા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતા. જોકે ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો હતો.
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસને “તેમની સામેનો ફ્રોડ” અને “રાજકીય કિન્નાખોરી” ગણાવ્યો હતો. 2023માં મહિનાઓ સુધી ચાલેલા ટ્રાયલ પછી કેસમાં દલીલો પૂરી થયા પછી જજ આર્થર એન્ગોરોને આ આદેશ જારી કર્યો હતો.
ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર એલન વેઈસેલબર્ગને એક મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઓર્ડર મુજબ વેઇસલબર્ગને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્કમાં બિઝનેસ પણ પ્રતિબંધ મુકાયો હતો.
આ કેસની ટ્રાયલ આશરે બે મહિના ચાલી હતી, જેમાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના ટોચના અધિકારીઓ અને ટ્રમ્પના પુખ્ત બાળકોનો સહિતના 40 વ્યક્તિઓએ જુબાની આપી હતી.
કોર્ટના આ આદેશથી પ્રેસિડન્ટની ચૂંટણી પહેલા ટ્રમ્પની નાણાકીય ક્ષમતાને ફટકો પડવાની ધારણા છે. અગાઉ લેખક ઇ જીન કેરોલને બદનામ કરવા બદલ ટ્રમ્પને 83.3 મિલિયન ડોલરની પેનલ્ટી કરાઈ હતી.