ભારતમાં છેલ્લા 25 વર્ષથી રહેતી એક ફ્રેંચ મહિલા પત્રકારને વિદેશી નાગરિકતાના મુદ્દે મજબૂરીમાં ભારત છોડવું પડ્યું હતું. ફ્રેંચ પત્રકાર વેનેસા ડૌગનેકે શનિવારે ભારત છોડતા જણાવ્યું હતું કે, તેનાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડને રદ્ કરવાની કાર્યવાહીમાં સરકારે આપેલી નોટીસના સંદર્ભમાં શરૂ થયેલી કાયદાકીય પ્રક્રિયાના પરિણામ માટે રાહ જોઇ શકે તેમ નથી.
ફ્રેંચ પબ્લિકેશન્સ-લા ક્રોઇક્સ અને લી પોઇન્ટ, સ્વીસ અખબાર લી ટેમ્પ્સ અને બેલ્જિયન દૈનિક લી સોયરની સાઉથ એશિયન પત્રકાર ડૌગનેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે (શનિવારે) હું ભારત છોડીને જઇ રહી છું. હું 25 વર્ષ અગાઉ અહીં એક વિદ્યાર્થિની તરીકે આવી હતી. અને એક પત્રકાર તરીકે 23 વર્ષ સુધી કામ કર્યું હતું. મારા લગ્ન પણ અહીં જ થયા હતા અને મારા દીકરાનો પણ ઉછેર કર્યો, હું ભારતને મારું ઘર માનતી હતી.”
ગત મહિને ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસે તેને એક કારણદર્શક નોટિસ મોકલીને જણાવ્યું હતું કે, સિટિઝનશિપ એક્ટ 1955 અને તેના અંતર્ગત નિયમો મુજબ જરૂરી વિશેષ મંજૂરી વગર પત્રકારત્વની કામગીરી રહ્યા છો, તો તમારું ઓસીઆઇ કાર્ડ કેમ રદ્ કરવામાં ન આવે.
તેણે જણાવ્યું હતું કે, તેઓ પોતાની ઇચ્છા વિરુદ્ધ ભારત છોડી રહ્યા છે, પરંતુ તેને સરકાર દ્વારા ફરજ પાડવામાં આવી હતી. સરકારે દાવો કર્યો હતો કે, તેનાં લેખો “કિન્નાખોરીપૂર્ણ” હતા, આ ઉપરાંત તેમનાં લેખો “ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતોને નુકસાન પહોંચાડે છે.”
ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી વેળાએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ફ્રાંસના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ-કક્ષાએ મંત્રણા દરમિયાન ડૌગનેક નોટિસ આપવામાં આવી હતી.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ 26 જાન્યુઆરીના રોજ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ફ્રાન્સે, આ કેસમાં ભારતની નિયમ મુજબની કાર્યવાહીની પ્રશંસા કરી હતી.