રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ટ્રક સાથે કાર અથડાતાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ ગુજરાતીના મોત થયા હતા. આ અકસ્માત અમૃતસર-જામનગર ભારતમાલા હાઈવે પર રાસીસર ગામ પાસે સવારે 4 વાગ્યે થયો હતો.
બીકાનેરના અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) પ્યારેલાલ શિવરાને જણાવ્યું હતું કે તમામ પાંચ મૃતકો ગુજરાતના રહેવાસી હતા. મૃતકોની ઓળખ ડૉ. પ્રતિક, તેની પત્ની હેતલ અને તેમની દોઢ વર્ષની પુત્રી, કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. પૂજા અને તેના પતિ કરણ તરીકે થઈ છે. કારમાંથી મળેલી પાર્કિંગ સ્લિપ અને અન્ય દસ્તાવેજો અનુસાર પાંચેય એક સપ્તાહ પહેલા વેકેશન માટે કાશ્મીર ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નોખા હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યાં હતા. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
મીડિયા રીપોર્ટ મુજબ કચ્છ ભુજના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ અને 18 મહિનાની પુત્રી નાયસા, ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. પૂજા અને તેમના પતિ કરમકૃષ્ણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.