– બાર્ની ચૌધરી, સરવર આલમ દ્વારા
લેબર પાર્ટી બ્રિટનમાં મુસ્લિમોના વોટના મુદ્દે પોતે જાતે પોતાના પગ ઉપર કુહાડા મારી રહી છે. આ વર્ષમાં હવે પછી દેશમાં સંસદની ચૂંટણી થવાની છે ત્યારે પાર્ટીને આ રીતે વર્તવાનું નુકશાન ભોગવવું પડશે, એમ પાર્ટીના જ કેટલાક સંસદ સભ્યોએ “ગરવી ગુજરાત”ને જણાવ્યું હતું.
ગયા સપ્તાહે મુસ્લિમ મતદારોના હાથ ધરાયેલા એક સર્વેમાં એવું જણાયું હતું કે 2019ની ગઈ ચૂંટણીમાં લેબરને મત આપનારાઓમાંથી ફક્ત 43 ટકા આ વખતે પાર્ટીને મત આપશે.
હાલમાં ચાલી રહેલા ઈઝરાયેલ – ગાઝા સંઘર્ષ મુદ્દે લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે અપનાવેલા અભિગમના કારણે મુસ્લિમ મતદારોનો પાર્ટી પ્રત્યેનો મોહભંગ થયાનું જણાવાય છે.
મુસ્લિમ મતના મુદ્દે પાર્ટીના નેતૃત્ત્વે પોતાના પગ ઉપર જાતે કુહાડા માર્યા જેવો ઘાટ છે અને થઈ રહેલા નુકશાનને સરભર કરવા, પોતાની ભૂલ સુધારવા તેઓ કઈં જ કરતા હોવાનું લાગતું નથી, એમ એક લેબર એમપીએ સોમવારે ગરવી ગુજરાતને કહ્યું હતું.
હાલના તબક્કે ગાઝા સંઘર્ષના મુદ્દે ટોરી પાર્ટીએ મુસ્લિમો માટે વધુ સાનુકુળ અભિગમ દાખવ્યો હોવાનું જણાય છે (વિદેશ પ્રધાન ડેવિડ કેમેરોને થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે, ગાઝા વિસ્તારમાં યુદ્ધ વિરામ થવો જ જોઈએ, યુકે તો પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની તરફેણમાં પણ વિચારી રહ્યુ છે). આ એમપીના મતે ટોરી નેતાગીરીએ અમને અવારનવાર શિકસ્ત આપી છે, હાલમાં મુસ્લિમ મતદારોને એવું લાગે છે કે, રાજકિય રીતે તેઓ અનાથ થઈ ગયા છે, તેમનો લેબર પ્રત્યેનો ભ્રમ ભાંગી ગયો છે.
મુસ્લિમ સમુદાયની એકંદરે લાગણી એવી છે કે, લેબર પાર્ટી તેમને પોતાની જાગીર માને તેના કરતાં તો આપણે અનાથ હોઈએ તે વધુ સારો વિકલ્પ ગણાય. તેમની આવી લાગણી પાછળનું એક તાજા ઉદાહરણ રોશડેલની પેટા ચૂંટણીમાં અઝહર અલીને સમર્થન પાછું ખેંચી લેવાનો સર કેર સ્ટાર્મરનો નિર્ણય છે. હવે સ્થિતિ એવી છે કે, રોશડેલની ચૂંટણીમાં અલી સત્તાવાર રીતે તો લેબરના ઉમેદવાર છે અને તેના વિજયની શક્યતા પણ ઘણી સારી છે. પણ કમનસીબી એ રહેશે કે તેનો વિજય થશે તો સંસદમાં અલી અપક્ષ ઉમેદવાર ગણાશે. રોશડેલ લેબર માટે એક સલામત બેઠક ગણાતી હોવાથી લેબર માટે એ મોટો ફટકો ગણાશે.
શેડો ન્યાય પ્રધાન શબાના મેહમૂદ, એમપીએ ગયા સપ્તાહે એવું કહ્યું હતું કે, ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષના મુદ્દે લેબર પાર્ટીએ બ્રિટિશ મુસ્લિમોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી પાર્ટીએ પોતાના મુસ્લિમ મતદારો સાથે નવેસરથી સંબંધો કેળવવા જરૂરી છે.
સર્વેશન અને લેબર મુસ્લિમ નેટવર્ક (LMN) ના સર્વેના તારણો મુજબ 2019માં 86 ટકા બ્રિટિશ મુસ્લિમ મતદારોએ લેબર પાર્ટીની તરફેણમાં વોટિંગ કર્યું હતું. એ લોકોના પૂછાતાં, તાજેતરમાં ફક્ત 43 ટકાએ એવું મક્કમતાથી કહ્યું હતું કે તેઓ લેબરને મત આપશે, તો 23 ટકાએ એવું કહ્યું હતું કે પોતે અનિર્ણિત છે.
એક લેબર સાંસદે ગરવી ગુજરાતને એવું કહ્યું હતું કે, “હું માનું છું કે, લેબર પાર્ટી મોટા પાયે મુસ્લિમોના મત ગુમાવશે. અગાઉ એક તબક્કે પાર્ટી મુસ્લિમ મતદારોને પોતાની જાગીર માનતી હતી.”