ભાજપે બુધવાર, 14 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની ટિકિટ પરથી જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર રાજ્યસભામાં જશે.
જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ હિમાચલ પ્રદેશના વતની છે અને તેમણે બિહારમાં પણ જીવનનો નોંધપાત્ર સમય વિતાવ્યો છે.
ગોવિંદભાઈ ધોળકિયા સૌરાષ્ટ્રના મૂળ હીરાના પ્રતિષ્ઠિત વેપારીઓ છે. તેઓ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક ચેરમેન છે. (SRK જૂથ) અને સંખ્યાબંધ પરોપકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે.
મયંક નાયક ગુજરાત ભાજપના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના પ્રમુખ છે. તેઓ શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી છે. તેઓ પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી છે.
ગોધરાના ડોક્ટર અને પેટ્રોલ પંપના માલિક જશવંતસિંહ પરમારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે બળવાખોર તરીકે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. તેઓ ઓબીસી વર્ગના છે.
રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.
આ વખતે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરાયા નથી. ગુજરાતની ચાર બેઠક સહિત રાજ્યસભાની કુલ 56 બેઠક ચૂંટણીની જાહેરાત કરાઈ છે. 15 રાજ્યમાં 56 બેઠક ખાલી પડી રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની પૂરી સંભાવના છે. અત્યાર સુધી 2 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી હતી.