યુએઈના અબુ ધાબીમાં બુધવારે BAPS ના ભવ્ય હિંદુ મંદિરના શાનદાર ઉદઘાટન સમારંભની તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરનું ઉદઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને તેઓ પણ મંગળવારે એ માટે યુએઈ આવી પહોંચે તેવી ધારણા છે. BAPSના વડા, પ. પૂ. શ્રી મહંત સ્વામી અબુ ધાબી પહોંચી ગયા છે અને તેમણે તથા મંદિર પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલા BAPSના અગ્રણી સ્વામી બ્રહ્મવિહારી દાસે સોમવારે તેઓએ 42 દેશોના રાજદૂતો તેમજ તેમના અર્ધાંગિનીઓને મંદિરનું પૂર્વાવલોકન પણ કરાવ્યું હતું. ભારત, બ્રિટન, અમેરિકા સહિતના દેશોમાંથી સંખ્યાબંધ હરિભક્તો પણ આ ખાસ અવસર માટે અબુ ધાબી પહોંચી ગયા છે અને મંદિરનું સ્વપ્ન સાકાર થવાનો જબરજસ્ત ઉત્સાહ અને શ્રદ્ધાથી માહોલ મહેકી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વિશાળ ભારતીય સમુદાયના મેળાવડા અને એક વિશાળ હિન્દુ મંદિરના સમર્પણ સમારોહ માટે યુએઈની મુલાકાત લેવાના છે ત્યારે આ અખાતી દેશમાં ભારતીય મિશનના અધિકારીઓ તૈયારી કરી રહ્યા છે.
બે મુખ્ય ઇવેન્ટમાં મોદી 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયના કાર્યક્રમ, અહલાન મોદી (હેલો મોદી) ને સંબોધિત કરશે. 14 ફેબ્રુઆરીએ યુએઈની રાજધાની ખાતે BAPS હિંદુ મંદિરના સમર્પણ સમારોહમાં હાજરી આપવાના છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, “ધાર્મિક કેમ્પસનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે, ત્યારે પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2024ના રોજ મંદિરનું ઉદઘાટન કરવાના છે.”

આ કાર્યક્રમનું આયોજન UAEમાં 150 ભારતીય સમુદાય સંગઠનો દ્વારા સહયોગથી કરવામાં આવી રહ્યું છે. 400 સ્થાનિક પ્રતિભાઓને સાંકળતો સાંસ્કૃતિક કાર્યક્રમ શોમાં રંગ ઉમેરવા માટે આયોજિત કરાયો છે.

“તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષી સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ વિકાસ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરનું નિર્માણ છે,” એમ રાજદૂત સુધીરે જણાવ્યું હતું. “આ મંદિરનું ઉદઘાટન 14મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી દ્વારા કરાવાનું છે, તે આધ્યાત્મિક રણભૂમિ હશે. અબુ ધાબીની બહારના ભાગમાં એક ટેકરીની ટોચ પર ઉભેલું મંદિર આપણા પૂર્વજો મહાત્મા ગાંધી અને શેખ ઝાયેદની આકાંક્ષા મુજબ શાંતિ અને સહિષ્ણુતાની કાયમી પરંપરાનું સાક્ષી બનશે, ”એમ તેમણે જણાવ્યું હતું.

એમ્બેસેડર દ્વારા જાહેર કરાયા મુજબ 42 દેશોના રાજદૂતો અને તેમની પત્નીઓ માટે મંદિરનું પૂર્વાવલોકન સોમવારે તેના ઉદઘાટન પહેલા 27 એકરની વિશાળ બાંધકામ સાઇટ પર ફેલાયેલી આર્કિટેક્ચરલ અજાયબીની ઝલક મેળવવા કરાયું હતું. તેમના સ્વાગત પ્રવચનમાં, રાજદૂત સુધીરે મંદિરની પૂર્ણતાના આરે હોવા અંગે તેમનો રોમાંચ શેર કર્યો. “જે અશક્ય લાગતું હતું, તે સ્વપ્ન ખરેખર વાસ્તવિકતા બની ગયું છે,” એમ તેમણે જણાવ્યું હતું.
તેમના મુખ્ય વક્તવ્યમાં, BAPS હિંદુ મંદિર પ્રોજેક્ટના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના ઐતિહાસિક મહત્વ, બાંધકામ પ્રક્રિયા અને વૈશ્વિક પ્રભાવની ઝાંખી પૂરી પાડી હતી. તેમણે UAE અને ભારતીય નેતૃત્વ બંનેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને પરસ્પર શ્રદ્ધા અને આંતરસાંસ્કૃતિક સંવાદિતાના શક્તિશાળી એજન્ટ તરીકે મંદિરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

નેપાળના રાજદૂત તેજ બહાદુર છેત્રીએ મંદિરને “તીર્થભૂમિ” તરીકે ઓળખાવી ઉમેર્યું હતું કે, “તે એક પ્રેરણાદાયી ઇમારત છે જે આપણને પ્રેમ, સંવાદિતા અને સહિષ્ણુતા વિશે શીખવે છે. તે એવી વસ્તુ છે જે આપણે આપણી આવનારી પેઢીઓને ભેટ આપીશું.

મહંત સ્વામી મહારાજ મહાન સાધુ છે. તેમના કારણે લોકોને આ મંદિર બનાવવાની પ્રેરણા મળી અને તે એક મોટી સફળતા છે.”, યુનાઈટેડ કિંગડમના ડેપ્યુટી એમ્બેસેડર જોનાથન નાઈટ જણાવ્યું હતું કે, “એવું સ્થાન જોવું અદ્ભુત છે કે જેનું યોગદાન ઘણા બધા ધર્મો દ્વારા એકસાથે આવીને પેઢીઓ સુધી ટકી રહેશે. મને આશા છે કે આ ઇમારત ઘરથી દૂર ઘરની લાગણી કરાવે છે. અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત BAPS હિંદુ મંદિરનો પાયો 20 એપ્રિલ, 2019ના રોજ નાખવામાં આવ્યો હતો.

આ ભવ્ય મંદિર પહેલી માર્ચથી લોકો માટે ખુલ્લુ મુકાશે. આ મંદિર સંકુલમાં વિઝિટર સેન્ટર, પ્રાર્થના હોલ, એક્ઝિબિશન્સ, લર્નિંગ એરિયા, સ્પોર્ટસ એરિયા, થેમેટિક ગાર્ડન, ફૂડ કોર્ટ, પુસ્તક અને ગિફ્ટ શોપ તથા અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયે (MEA) શનિવારે આ મુલાકાતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 2015 પછી વડાપ્રધાનની UAEની આ સાતમી મુલાકાત હશે. વડાપ્રધાન મોદી અને પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વડાપ્રધાન UAEના વાઇસ પ્રેસિડન્ટ, વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં અતિથિ તરીકે ભાગ લેશે અને સમિટમાં સંબોધન કરશે.

LEAVE A REPLY