ફ્રાન્સમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) લોન્ચ થયાના એક અઠવાડિયા પછી સોમવાર, 12 ફેબ્રુઆરીએ ભારતની આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શ્રીલંકા અને મોરેશિયસમાં લોન્ચ કરાઈ હતી. મોરેશિયસમાં RuPay કાર્ડ પણ રજૂ કરાયું હતું. UPI ભારતમાં મોબાઇલ-આધારિત પેમેન્ટ સિસ્ટમ છે, જે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ દ્વારા ચોવીસ કલાક ચૂકવણી કરવાની મંજૂરી આપે છે.
આ અંગેના એક કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મોરિશિયનના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે સાથે વર્ચ્યુઅલી જોડાયા હતા.
સરકારે જણાવ્યું હતું કે “શ્રીલંકા અને મોરેશિયસ સાથે ભારતના મજબૂત સાંસ્કૃતિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો છે. આ પેમેન્ટ સિસ્ટમથી બંને દેશોના લોકોને સરળ પેમેન્ટનો લાભ મળશે. આનાથી આ દેશો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટીમાં પણ વધારો થશે.
આ બંને દેશોની મુલાકાત લેનારા ભારતીયો ચૂકવણી કરવા માટે UPIનો ઉપયોગ કરી શકશે ભારતની મુસાફરી કરતા મોરિશિયસના લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે. RuPay સેવાઓના વિસ્તરણથી મોરિશિયન બેંકોને પણ RuPay કાર્ડ જારી કરી શકશે. ભારત અને મોરેશિયસ બંને દેશમાં સેટલમેન્ટ માટે તેનો ઉપયોગ શક્ય બનશે.
સરકારે જણાવ્યું હતું કે “ભારત ફિનટેક ઇનોવેશન અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી દેશ તરીકે ઊભરી આવ્યો છે. પ્રજાસત્તાક દિવસના રિસેપ્શન દરમિયાન 2 ફેબ્રુઆરીએ પેરિસના એફિલ ટાવર ખાતે UPI લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને સરકારે PM મોદીના “UPIને વૈશ્વિક સ્તરે લઈ જવાના વિઝન”નો ભાગ ગણાવ્યો હતો.