રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ સોમવાર, 12 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજાઈ રહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણી માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ સોમવાર, 12 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજાઈ રહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણી માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ સમારોહ સ્થળ ખાતે નિર્મિત યજ્ઞશાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા.

યજ્ઞમાં આહુતિ આપ્યા પછી રાષ્ટ્રપતિ મુર્મુએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન દર્શનને ઉજાગર કરતા પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી અને મહર્ષિના વિચારો અને સમાજ ઉત્થાનના કાર્યોની માહિતી મેળવી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રપતિ મુર્મુ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ પ્રદર્શન ખંડની વિગતો આપી હતી.

આ મહોત્સવના બીજા દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષદયાનંદ સરસ્વતીને સ્મરણાંજલિ અર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે સમાજનો એક વર્ગ જયારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ ‘વેદો તરફ પાછા વળો’ નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે. અંગ્રેજી હકુમત જ્યારે ભારતીય સંસ્કૃતિને હીન બતાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લાલા લાજપતરાય, રામપ્રસાદ બિસ્મિલ, શ્રદ્ધાનંદજી જેવા ક્રાંતિકારીઓની એક શ્રૃંખલા દયાનંદજીના વિચારોથી પ્રભાવિત થઈ રાષ્ટ્રસેવા માટે તૈયાર થઈ રહી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા. આર્ય સમાજ ૨૧મી સદીમાં નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એજ દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે. આર્ય સમાજના વિદ્યાલયો, કેન્દ્રો સમાજને જોડી લોકલ ફોર વોકલ, આત્મનિર્ભર ભારત, પર્યાવરણ માટે પ્રયાસ, જલ સંરક્ષણ, સ્વચ્છ ભારત અભિયાન, મિશન લાઇફ, મિલેટ્સ અન્ન પ્રોત્સાહન, યોગ વગેરેમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. આર્ય સમાજની સ્થાપનાના ૧૫૦મા વર્ષનો આરંભ થઈ ગયો છે. આ અવસરને યાદગાર બનાવવા દરેક યુવાનો પ્રાકૃતિક ખેતી વિશેની જાણકારી મેળવે તે ખૂબ જ જરૂરી છે.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો દેશની સમૃદ્ધિ તથા ઉન્નતિમાં અનન્ય ફાળો રહ્યો છે. તેઓએ ૧૮૭૫માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી જયારે ૧૮૭૯ માં હરિયાણાના રેવાડીમાં દેશની સૌ પ્રથમ ગૌશાળાનું નિર્માણ કર્યું હતું. મુગલો અને અંગ્રેજો દ્વારા આર્થિક રીતે ખોખલા બનાવી દેવાયેલ ભારતની અર્થવ્યવસ્થા ફરી મજબૂત બને તે માટે મહર્ષિએ કૃષિ અને ગૌ સંવર્ધન પર વિશેષ ભાર મૂકી પ્રેરક પ્રયાસો હાથ ધર્યા હતા. ૧૦ લાખ લોકોને ગૌ હત્યા ન કરવાના તેઓએ પ્રણ લેવડાવ્યા અને તેના હસ્તાક્ષર તેઓએ રાણી વિક્ટોરિયાને ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. કિસાનોને તેઓએ રાજાઓના રાજા કહ્યા હતા.

LEAVE A REPLY