લેબર પાર્ટીએ સોમવાર, 5 ફેબ્રુઆરીએ આગામી ચૂંટણીમાં વિજયી બન્યા બાદ એક નવો રેસ ઇક્વાલિટી એક્ટ ઘડવાનું વચન આપ્યું હતું. આ નવા ધારા હેઠળ હાલના સમાન વેતન અધિકારોના દાયરાને વિસ્તૃત બનાવીને તેમાં પ્રથમ વખત અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) વર્કર્સને સામેલ કરવાની યોજના જાહેર કરી હતી. તેમાં વિકલાંગ વ્યક્તિઓને પણ સમાન હકો આપવાની દરખાસ્ત છે.
લેબર પાર્ટી વંશિય અસમાનતા નાબૂદ કરીને બ્રિટનની આર્થિક વૃદ્ધિને પણ વેગ આપવા માગે છે, જે કન્વર્ઝેટિવ સરકારમાં હાંસલ કરી શકાઇ નથી. લેબરે એવા પગલાંની પણ જાહેરાતો કરી હતી કે જેથી આર્થિક વૃદ્ધિને વેગ મળી શકે અને તેમાં બ્રિટનના પ્રત્યેક નાગરિકની હિસ્સેદારી હોય.
નવા કાયદો વધુ સારી નોકરીઓ અને વધુ સુરક્ષિત રોજગાર દ્વારા આર્થિક વૃદ્ધિને હાંસલ કરવાના પક્ષના મિશનની ટેકો આપશે તથા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી લોકો સામેના અવરોધો દૂર થશે.
આ યોજનાઓનો તબક્કાવાર ધોરણે અમલ કરાશે. તમામ કર્મચારીઓ માટે સમાન વેતનની ખાતરી કરવા માટે નોકરીદાતાઓને તેમની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. આ કાયદો ઘડવામાં આવ્યાની તારીખથી પૂર્વવર્તી સમાન વેતનનો અમલ કરાશે.
વિન્ડ્રશ કમ્પેન્સેશન સ્કીમના ધીમા અમલની ટીકાઓ થઈ રહી છે ત્યારે લેબર પાર્ટીએ ચૂંટણીમાં વિજયી બન્યાં પછી વિન્ડ્રશ કમિશનરની નિમણૂક કરવાનું વચન આપ્યું છે. વિન્ડ્રશ જનરેશન માટે ન્યાયના પ્રયાસોને પુનર્જીવિત કરવા માટે આ ભૂમિકાની દરખાસ્ત કરાઈ છે. આ સ્કીમને હોમ ઓફિસમાં ખસેડવાની શક્યતા છે.
2020માં ડોરીન લોરેન્સની આગેવાની હેઠળ ટાસ્કફોર્સની સ્થાપના સાથે કીર સ્ટાર્મરે રેસ ઇક્વાલિટી એક્ટનું સૌ પ્રથમ વખત વચન આપ્યું હતું. જોકે વિવિધ વિગતો જારી કરવામાં વિલંબને કારણે સ્ટ્રક્ચરલ રેસિઝમને નાબૂદ કરવા માટેની પક્ષની પ્રતિબદ્ધતા અંગે આશંકાઓ ઊભી થઈ છે.
વિવિધ પ્રકારની કટોકટીઓ અને પ્રણાલીગત કાપને કારણે અસમાનતામાં વધારો થઈ રહ્યો છે અને તેનાથી BAME સમુદાયોને અસર થઈ રહી છે ત્યારે લેબર પાર્ટીએ આ પહેલ કરી છે.
રેસ ઇક્વાલિટીના મુદ્દા પર ભાર મૂકીને વુમેન એન્ડ ઇક્વાલિટીઝ માટેના શેડો સેક્રેટરી એનીલીઝ ડોડ્સે જણાવ્યું હતું કે “ટોરીના શાસનમાં અસમાનતા વધી છે અને ઘણા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી પરિવારો ઓછા વેતને સખત અને સખત મહેનત કરી રહ્યા છે. તેનાથી તેમના પરિવારો અને અર્થતંત્રની પ્રગતિ અટકી ગઈ છે. અમને સીમાચિહ્નરૂપ ઇક્વાલિટી એક્ટ (2010)થી લઈને ભેદભાવ સામે રક્ષણને મજબૂત કરવા સુધીની અમારી સરકારની સિદ્ધિઓ પર ગર્વ છે. આગામી લેબર સરકાર એ સુનિશ્ચિત કરવા માટે વધુ આગળ વધશે કે તમે યુકેમાં ક્યાં પણ રહો છો, અને તમારી પૃષ્ઠભૂમિ ગમે તે હોય, તમે પ્રગતિ કરી શકો.
લેબર પાર્ટીએ બેવડા ભેદભાવ (ડ્યુઅલ ડિસ્ક્રીમિનેશન) સમસ્યાના ઉકેલ માટે પણ દરખાસ્ત કરી છે, જે અલગ-અલગ જગ્યાઓ પર થતાં ભેદભાવના એકસમાન દાવાને મંજૂરી આપશે. આ દરખાસ્તથી ટ્રિબ્યુશન પ્રોસેસ સરળ બનશે અને વિવિધ શ્રેણીના ભેદભાવ સામે રક્ષણ આપશે. આ અભિગમ મેનોપોઝ દરમિયાન ભેદભાવનો શિકાર બનતી સ્ત્રીઓ સહિત વિવિધ જૂથોને લાભ કરશે.
નવા ધારા હેઠળ NHS, પોલીસ ફોર્સ, શાળાઓ અને સ્થાનિક કાઉન્સિલને રોજગાર, વેતન અને જ્યાં સંબંધિત હોય ત્યાં પરફોર્મન્સ મેટ્રિક્સને વંશીયતા દ્વારા વર્ગીકૃત કરવા માટે ડેટા સંકલિત કરવા પડશે અને તેને જાહેર કરવા પડશે. આ ઉપરાંત નવા ધારા હેઠળ વંશિયતા સંબંધિત વેતન અસામનતા અંગેના રીપોર્ટિંગ, પોલીસ ફોર્સ માટે એન્ટી રેસિઝમ ટ્રેનિંગ, સ્કૂલોના અભ્યાસક્રમમાં ડાઇવર્સિટીના પ્રોત્સાહનની જોગવાઈ હશે.
રેસ ઇક્વાલિટી થિંકટેંક રનીમેડ ટ્રસ્ટના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. શબના બેગમે ભૂતકાળની નીતિઓમાંથી નિર્ણાયક પરિવર્તન તરીકે આ એક્ટની પ્રશંસા કરી હતી, પરંતુ જણાવ્યું હતું કે તે વિવિધ રેસના લોકો સામનો કરી રહ્યાં છે તેવી વ્યાપક અસમાનતાઓને સંપૂર્ણ ઉકેલ લાવી શકશે નહીં.