નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મહાન આધ્યાત્મિક ગુરુ આચાર્ય શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે વિવિધતામાં એકતાનો ભારતનો મંત્ર એટલો વ્યાપક છે કે તેમાં વિભાજનને કોઈ અવકાશ નથી. દેશ જેમ જેમ આગળ વધશે તેમ વિકાસ અને વારસો સાથે મળીને કૂચ કરવાનું ચાલુ રાખશે. વડાપ્રધાને આચાર્ચ શ્રીલ પ્રભુપાદના સન્માનમાં એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો હતો.
શ્રીલ પ્રભુપાદને શ્રદ્ધાંજલિ આપતા મોદીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સદીઓ જૂનું સ્વપ્ન પૂર્ણ થયું છે તેના થોડા દિવસો પછી આ આધ્યાત્મિક ગુરુની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. 15મી સદીના સંત ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણ માટેના પ્રેમનું પ્રતિક હતાં. તેમણે આધ્યાત્મિકતા અને આધ્યાત્મિક પદ્ધતિઓને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ બનાવી હતી.
આચાર્ય શ્રીલ પ્રભુપાદના જીવનને “એક ભારત શ્રેષ્ઠ ભારત”નું ઉદાહરણ ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે તેમનો જન્મ પુરીમાં થયો હતો, દક્ષિણ ભારતના રામાનુજાચાર્યની પરંપરામાં દીક્ષા લીધી હતી અને બંગાળમાં મઠ ધરાવતા ચૈતન્ય મહાપ્રભુની પરંપરાને આગળ ધપાવી હતી.